રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને બિહારના પૂર્ણિયામાં ઉતરવાની ના મળી મંજૂરી, તંત્રે હાથ ખંખેરી લીધા

769 Views

Bihar –         બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે ત્યારે ગુરૂવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને બિહારના પૂર્ણિયા વિસ્તારમાં ઊતરવાની પરવાનગી અપાઇ નહોતી એ વાતે હો હા થઇ હતી. આજે શુક્રવારે રાહુલ ગાંધી મહાગઠબંધન તરફથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનડીએ તરફથી સભાઓ સંબોધવાના છે. પૂર્ણિયાની ઘટના અંગે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે એવો ખુલાસો કર્યો હતો કે 22 ઓક્ટોબરે રાહુલ ગાંધી પૂર્ણિયા આવવાના છે એવી કોઇ માહિતી જિલ્લા વહીવટકર્તાને અગાઉથી આપવામાં આવી નહોતી. પૂર્ણિયા એરફોર્સ સ્ટેશનમાં શુક્રવારે સભા છે એવી જાણ કરવામાં આવી હતી. ગુરૂવારના કાર્યક્રમ વિશે કોઇ જાણ કરાઇ નહોતી. એરફોર્સ વિસ્તારમાં અમારે સિક્યોરિટી પ્રોટોકોલ પણ જોવાના હોય છે. તદનુસાર કાર્યક્રમો નક્કી થતા હોય છે. ગુરૂવારે પૂર્ણિયાને ટ્રાન્ઝિટ માટે સામેલ કરવામાં આવ્યું નહોતું.

          તેમણે વધુમાં કહ્યું કે પૂર્ણિયા એરફોર્સ સ્ટેશન જિલ્લા વહીવટીતંત્રના કાર્યક્ષેત્રમાં આવતું નથી. એ લશ્કરી વિસ્તાર છે એટલે અમારે પરવાનગી આપવાનો કોઇ સવાલ ઊઠતો નથી. અગાઉ મિડિયાને એવી જાણ કરાઇ હતી કે રાહુલ ગાંધી પૂર્ણિયામાં કોઇ સભા સંબોધવાના નથી, માત્ર અહીં વિમાન દ્વારા આવશે અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા અન્ય સ્થળે જશે. હવે કોંગ્રેસ કહે છે કે ગુરૂવારે પૂર્ણિયામાં રાહુલ ગાંધીની સભા હતી. આમ ગરબડ ગોટાળા જેવી પરિસ્થિતિ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *