પાવાગઢ રોપવે કરતાં ગિરનાર રોપવેની લંબાઈ 3 ગણી, પણ ટિકિટના દર 6 ગણા વધારે !

257 Views

Girnar – આખરે ગિરનાર રોપ-વે શરૂ થઇ ગયો છે. જૂનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે રોપવે યોજના સાકાર થાય. રોપવે બને તો પરિવારને તેમજ બહાર રહેતા સગાં-સબંધીઓને રોપવે મારફત યાત્રા કરાવી પુણ્ય કમાઇ શકે. જોકે રોપવેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ તમામ જૂનાગઢવાસીને લાગી રહ્યું છે કે તેમનું સ્વપ્ન રોળાઇ ગયું છે. જેમ ગિરનાર પર્વત આસમાનને આંબી રહ્યો છે તેમ રોપવેની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પરિણામે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉષા બ્રેકો કંપનીએ ટિકિટના ભાવ અંગે ફેરવિચારણા કરી ભાવ ઘટાડવા જોઇએ તેવી લોકો ભારે રોષ સાથે માગ કરી રહ્યા છે. બીજી તરફ, આ જ કંપની પાવાગઢમાં રોપવેનું સંચાલન કરે છે. પાવાગઢમાં રોપવેની લંબાઇ 736 મીટર છે અને હાલ એનું ભાડું 141.60 રૂપિયા છે, જેની સામે ગિરનાર રોપવેની લંબાઇ ત્રણ ગણી 2320 મીટર છે, પરંતુ ટિકિટના દર 826 રૂપિયા છે. પાવાગઢ કરતાં 6 ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

            ગિરનાર રોપવે અને પાવાગઢ રોપવેની સરખામણી કરીએ તો ગિરનાર રોપવેની લંબાઇ વધારે છે, જે પાવાગઢ રોપવેના ટિકિટના ભાવ છે. એ હિસાબે ગિરનાર રોપવેની ટિકિટના ભાવ 447 રૂપિયા હોવા જોઇએ. હાલ 706 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. 14 નવેમ્બર પછી સામાન્ય ટિકિટના 826 રૂપિયા વસૂલવામાં આવશે. જોકે પાવાગઢ રોપવે શરૂ થયો ત્યારે માત્ર 9 રૂપિયા ટિકિટ હતી. એ હિસાબે પણ જૂનાગઢની ટિકિટના ભાવ વધારે છે. ભાજપ સરકારે ખૂબ સારો પ્રોજેકટ સાકાર કરી જૂનાગઢને ભેટ આપ્યો છે. જોકે ટિકિટના ભાવ મામલે લોકોમાં ભારે ગણગણાટ થઇ રહ્યો છે, ત્યારે એક બિઝનેસમેન તરીકે મારું માનવું છે કે ઉષા બ્રેકો કંપનીએ વ્યવહારિક અને વાજબી ભાવ રાખવો જોઇએ. જ્યારે જૂનાગઢના લોકોને 1 વર્ષ માટે ટિકિટના ભાવમાં રાહત આપવી જોઇએ. આ ઉપરાંત સિનિયર સિટિઝનોને પણ રાહત આપવી જોઇએ, કારણ કે રોપવે માત્ર પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ પર તૈયાર નથી થયો, ઇમોશનલ બેકગ્રાઉન્ડ પર તૈયાર થયો છે. ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢવાસીઓ માટે, સિનિયર સિટિઝનો માટે તેમજ દિવ્યાંગો માટે 150 રૂપિયા ટિકિટ રાખવી જોઇએ. જો ટેક્સ સાથે 826 રૂપિયા ટિકિટ થાય તો મહેમાનોને તો ઠીક પરિવારના સભ્યોને પણ રોપવેમાં લઇ જવું સામાન્ય લોકો માટે અશક્ય બનશે. હાઇવે પરના ટોલનાકામાં આજુબાજુનાં ગામોને ટોલમાંથી મુક્તિ હોય છે. ત્યારે ફ્રી નહીં, પરંતુ વાજબી ભાવ રાખે એ જરૂરી છે. આ માટે સરકારે પણ દરમિયાનગીરી કરવી જોઇએ.- એ માટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *