જાન લઇ જવા ST બુક કરશો તો 52 સીટર બસમાં માત્ર 39 જાનૈયા બેસી શકશે – બસમાં 75% યાત્રિકો બેસાડવાનો નિયમ જાનૈયાઓને મોંઘો પડશે.

1,474 Views

એસ.ટી. બસને લગ્ન માટે જાનમાં લઇ જવા રાજ્ય સરકારે ઓછા દરની ખાસ સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે, પરંતુ કોરોનાની અસરના કારણે હાલ જાનમાં લઇ જવાની એસ.ટી બસ જાન લઈ જનારને મોંઘી પડી રહી છે. કોરોના મહામારીમાં હાલ એસ.ટી બસમાં એક બસમાં 75% યાત્રિકોને જ બેસાડવાની છૂટ અપાતા હવે લગ્નમાં કોઈને જો જાનમાં એસ.ટી બસ લઇ જવી હોય તો પણ આ જ નિયમ મુજબ 52 સીટની બેઠક ક્ષમતાવાળી એક બસમાં પૂરેપૂરા 52 લોકોને બેસાડવાને બદલે માત્ર 75% એટલે કે 39 જાનૈયા જ બેસાડી શકાશે.

હવે જો કોઈ લગ્ન પ્રસંગમાં 50 જાનૈયાઓને લઇ જવાના હોય તો નાછૂટકે બે એસ.ટી બસ બુક કરવી પડે અને વધુ પૈસા ખર્ચવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જાન લઈ જનારને ડબલ ચાર્જનો ડામ

ધારો કે કોઈ લગ્ન માટેના પ્રસંગમાં 50 જાનૈયાને લઇ જવાના છે. ST બસની સીટિંગ વ્યવસ્થા 52 સીટની છે પણ નિયમ 39 સીટમાં યાત્રિકો બેસાડવાનો છે. હવે બસ બુક કરનાર વ્યક્તિ એક બસમાં માત્ર 39 જાનૈયા જ બેસાડી શકશે. બાકીના 11 જાનૈયાને સમાવવા માટે તેણે બીજી બસ કે વ્યવસ્થા કરવી પડશે. અગાઉ એક બસમાં બધા સમાય જતા, હવે 50 યાત્રિક સમાવવા બે-બે બસ કરવી પડે તેવી સ્થિતિ.

દિવાળી બાદ લગ્નના મુહૂર્ત, બુકિંગ ઠંડું
દિવાળી બાદ લગ્ન માટેના શુભમુહૂર્ત શરૂ થઇ રહ્યા છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધી ન થઇ શકેલા લગ્નો હવે અનલોકમાં થવાના હોય શહેરમાં ઠેર ઠેર લગ્ન માટેની તૈયારીઓ લોકો કરી રહ્યા છે, પરંતુ એસ.ટી તંત્રના એક બસમાં માત્ર 75 ટકા યાત્રિકો જ બેસાડવાનો નિયમ જાનૈયાઓને મોંઘું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે હજુ સુધી લગ્ન માટેના કોઈ બુકિંગ એસ.ટીમાં નોંધાયા નથી. રાજકોટ ડિવિઝન હેઠળ આવતા મોરબી, ગોંડલ, સુરેન્દ્રનગર, જસદણ, ધ્રાંગધ્રા સહિતના ડેપોમાં પણ હાલ લગ્ન માટેની બસ બુકિંગ ઠંડું છે.

યાત્રિકો બેસાડવાનો નિયમ સરખો જ છે
હાલ એસ.ટી બસમાં જે રીતે 75 ટકા યાત્રિકોને બેસાડવાનો નિયમ છે એવી જ રીતે લગ્ન માટેની બસમાં પણ 75 ટકા જ લોકોને બેસાડી શકાશે. કારણ કે, દરેક બસમાં યાત્રિકો બેસાડવાનો નિયમ સરખો છે. એટલે લગ્ન માટેની બસ કોઈપણ વ્યક્તિ બુક કરે તો તેમાં પણ સીટિંગ કેપેસિટીના 75% યાત્રિકો જ બેસાડી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *