દાહોદ – દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર

1,979 Views

દાહોદ –        દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં દાહોદ-ગોધરા હાઇવે સ્થિત ભથવાડા ટોલનાકા પર એક કારમાંથી રૂા.24.45 લાખનો પ્રવાહી અફીણનો જથ્થો ઝડપાતાં ખળભળાટ મચી ગયો. આ ઘટના અંતર્ગત પોલીસે રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે એક નાસી છૂટ્યો હતો. કાર, મોબાઇલ અને અફીણ મળીને કુલ 27.60 લાખનો જથ્થો જપ્ત કરીને દેવગઢ બારિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

       દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે આવેલા ટોલ નાકા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઇ રહ્યું હતું. તે વખતે રાજસ્થાનના હરસવાડા ગામનો દિપારામ ઉદારામ બિસનોઇ નામક યુવક ભાગી જતાં પોલીસની શંકા દૃઢ બની હતી. પોલીસે જાલોર જિલ્લાના જ સંચોર ગામના ઓમપ્રકાશ બાબુલાલ સારણ (બિસ્નોઇ) અને સરજનાણિયડી ગામના મનોહરલાલ સંગમારામ સારણને અટકમાં લઇને કારમાં તપાસ કરી હતી. જેમાં સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી પ્લાસ્ટિકની બેગોમાં ભરી રાખેલો પ્રવાહી અફીણનો 24.453 ગ્રામ વજનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા. 24,45,300ની કિંમતના અફીણના જથ્થા સાથે 3 લાખની કાર અને 15 હજારનો 1 મોબાઇલ મળીને કુલ 27.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *