નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર પાસેથી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જો કે ગુજરાત સરકાર ફટાકડા પર બ્લેન્કેટ બેનની જેમ પ્રતિબંધ લાગુ કરવાના મૂડમાં નથી. ગુજરાત સરકાર આ મુજબ જ ટ્રિબ્યુનલને જવાબ પાઠવવા જઇ રહી છે.
ગુજરાત સરકારના ખૂબ વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળભૂત રીતે નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અને ગરબા રમે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભય રહેલો હતો તેથી ગરબા પર પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ ગુજરાત સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય તે માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે. જો કે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર જે મનાઈ ફરમાવવામાં આવે છે તે યથાવત્ રહેશે, તેમ સૂત્રો જણાવે છે.
ગુજરાત સરકાર એક એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરે તેવી શક્યતા છે. ફટાકડાં ફોડવાનો સામૂહિક કાર્યક્રમ નહીં થઇ શકે કે જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ શકે, પરંતુ લોકો પોતાના ઘરના પટાંગણમાં સુરક્ષા જળવાય તે રીતે ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષના સંમેલનો મર્યાદિત સંખ્યામાં લોકો આવે તે રીતે થઇ શકશે. તદુપરાંત ફટાકડાના વેચાણ માટે પોલિસ અને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી ફરજિયાત રહેશે.