આજે પુષ્ય નક્ષત્ર: સોના-ચાંદીની ખરીદી માટે 50થી 70 કરોડનાં એડવાન્સ બુકિંગ થઈ ગયાં, રૂ.100 કરોડનું વેચાણ થવાનો અંદાજ

978 Views

શહેરભરમાં આજે પુષ્ય નક્ષત્રના દિવસે 175 કિલો સોનું અને 200 કિલો ચાંદીનું વેચાણ થવાનો અંદાજ છે, જેમાંથી 50 ટકાથી વધુનાં એડવાન્સ બુકિંગ થઈ ગયા હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યા છે, પરંતુ કોરોના અને ઊંચા ભાવના કારણે ગયા વર્ષ કરતાં આ વર્ષે પુષ્યનક્ષત્રે સોના-ચાંદીનું વેચાણ સરેરાશ 30 ટકા ઘટવાનો અંદાજ છે. જોકે આ વર્ષે શનિવાર અને રવિવારે પુષ્ય નક્ષત્રની તિથિ હોવાથી કોરોના, આર્થિક ભીંસ છતાં વેપારને ધારણા કરતાં સારો પ્રતિસાદ મળે તેવી શક્યતા છે.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું કે, આ વખતે 100 કરોડથી વધુનાં સોના-ચાંદીનું વેચાણ થવાનો અંદાજ છે, જેમાંથી 50થી 70 કરોડના એડવાન્સ બુકિંગ થયા છે. હાલ 10 ગ્રામદીઠ 24 કેરેટનો ભાવ 54 હજાર છે, જે ગયા વર્ષે 38 હજાર હતો. ગયા વર્ષની સરખામણીએ કિંમતની દૃષ્ટિ વેચાણ વધશે, પણ જથ્થાની રીતે વેપાર 25થી 30 ટકા ઓછો રહેવાનો અંદાજ છે.

પુષ્ય નક્ષત્રના દિવસે થનારા સોનાના કુલ વેચાણમાં 70 ટકાથી વધુ હિસ્સો જ્વેલરીનો રહેશે. જ્યારે રોકાણ માધ્યમથી ખરીદનારા ગ્રાહકોનો હિસ્સો 30 ટકા રહેશે. આ વર્ષે કોરોનાને કારણે વેપારને સરેરાશ 25થી 30 ટકા અસર પડી છે. જોકે કિંમતની રીતે જોઈએ તો ગત વર્ષ જેટલા રૂપિયાનું જ વેચાણ થશે, પરંતુ વોલ્યુમમાં નજીવો ઘટાડો થશે.

આ વખતે 59 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ યોગમાં પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. આથી પુષ્ય નક્ષત્રમાં ખરીદી સ્થાયી સમૃદ્ધિ આપશે તેમ જ્યોતિષીઓનું માનવું છે. શનિવારે અને રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તે શનિ પુષ્ય અને રવિ પુષ્ય નક્ષત્ર પણ કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *