ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ – પીએમ નરેન્દ્ર મોદી હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે

262 Views

જનતા ન્યુઝ 360, ગાંધીનગર, 

       વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧ વાગે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનું નવી દિલ્હીથી લોકાર્પણ કરશે. આ સાથે નવનિર્મિત રો-રો ટર્મિનલનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. દેશના દરિયાકિરાના તથા અન્ય મોટી નદીઓમાં, કેનાલોમાં નાના, મધ્યમ પ્રકારના જહાજોથી હાઇવે ઉપરના ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે હાથ ધરાયેલા આયામનો આ પહેલો પડાવ ગુજરાતથી શરૂ થયો છે. 

       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘ગુજરાત માટે રવિવારનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. સુરત અને સૌરાષ્ટ્ર જળમાર્ગથી જોડાવા જઇ રહ્યા છે. સવારે ૧૧ વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવાનો છું. એનાથી જ્યાં સમય અને ઇંધણની બચત થશે, ત્યાં વેપાર અને ઉદ્યોગને વધુ ગતિ મળશે.’ દિવાળીના તહેવારો પૂર્વે ગુજરાતને સી પ્લેનની ભેટ પછી હવે હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ સેવાની એક નવી ભેટ સમાન છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ટ્વીટ કર્યું છે. 

       ગુજરાતના શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, ‘સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી વેપાર ધંધા માટે સુરત સ્થાયી થયા છે. એમને સારા નરસાં પ્રસંગે સુરતથી સૌરાષ્ટ્ર આવવા જવા માટે સરેરાશ ૧૦થી ૧૨ કલાકની જમીન માર્ગે મુસાફરી કરવી પડે છે. સુરત-ભાવનગર વચ્ચે ૩૭૦ કિમીનું અંતર આ ફેરી સર્વિસના લીધે ઘટીને ૭૦ કિમી થશે એટલું જ નહીં ચાર કલાકમાં કોઇપણ વ્યક્તિ ઘોઘા કે હજીરા પહોંચી શકશે.’ આ સર્વિસમાં મુસાફરો ઉપરાંત ટુ વ્હીલર સહિતના નાના, મધ્યમ, મોટા વાહનો, કાર્ગો પણ આવનજાવન કરી શકશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *