રાજસ્થાનના લોંગેવાલા પોસ્ટ પહોંચી BSF જવાનો સાથે PM નરેન્દ્ર મોદીએ દિવાળી ઉજવી.
નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણીની પરંપરાને જાળવી રાખી
એજન્સી, નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ દેશના વીર જવાનો સાથે મનાવવાનો શિરસ્તો જાળવી રાખ્યો. પીએમ શનિવારે રાજસ્થાનના જેસલમેર સ્થિત લોંગેવાલા પોસ્ટ પહોંચ્યા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, લશ્કરના વડા એમ એમ નરવાણે, એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા તેમજ બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ હાજર છે.
જેલસમેરમાં લોંગેવાલા પોસ્ટ નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર આવેલી છે. આ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સુરક્ષા માટે તૈનાત હોય છે. જગવિખ્યાત તનૌટ માતાનું મંદિર પણ અહીં આવેલું છે. પીએમ નરેન્દ્ર મોદી લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીના પર્વની શુભેચ્છા ટ્વીટ કરીને પાઠવી હતી. વડાપ્રધાને કહ્યું કે તમામ દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામના, આ પર્વ તમારા સૌ માટે તેજસ્વી અને ખુશહાલીમય રહે. સૌ કોઈ સમૃદ્ધિવાન અને આરોગ્યમય રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોબરના તેમના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને આ દિવાળી પર એક દિવડો દેશના જવાનોના નામે પ્રગટાવવાની પણ અપીલ કરી હતી. દેશની સુરક્ષામાં નિસ્વાર્થપણે તૈનાત જવાનોના સન્માનમાં એક દિવડો પ્રજ્વિલત કરવા પીએમએ નાગરિકોને જણાવ્યું હતું.