અમદાવાદની V S હોસ્પિટલમાં મૃતદેહ સાથે છબરડા, કેનેડાથી પૂત્ર આવ્યો તો જાણ થઈ કે માતાની અંતિમક્રિયા અન્ય કોઈએ કરી નાંખી

162 Views
  • વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં જ સીસીટીવી કેમેરા નથી

  • હાર્ટ એટેકથી મૃત્પુ પામેલા લેખાબેન ચંદની ડેડબોડીને અન્ય પરિવાર લઈ ગયો, અગ્નિ સંસ્કાર પણ કરી દીધા

Ahmedabad –     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલનો વધુ એક ગંભીર લાપરવાહીનો છબરડો બહાર આવ્યો છે. વીએસના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી વેજલપુરના વૃદ્ધાના શબની અદલાબદલી થઈ જતા હોબાળો મચી ગયો છે. વેજલપુરમાં રહેતા લેખાબેન ચંદનું 11મી નવેમ્બરના રોજ કુદરતી રીતે મોત થયું હતું. જેથી અંતિમવિધિ  માટે તેમનો પુત્ર કેનેડાથી અમદાવાદ આવ્યો હતો. પરંતુ વીએસ હોસ્પિટલમાં ડેડબોડી લેવા જતા તંત્ર દ્વારા બીજા કોઈને અપાઈ ગઈ હોવાથી જાણ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. આ મામલે એલિસબ્રિજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ પીએમ રૂમમાં પહોંચી હતી. જેની સાથે ડેડબોડી બદલાઈ ગઈ હતી. બોડી લઈજનાર પરિવાર દ્વારા મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. જે વ્યક્તિ બોડી લઈ ગયો હતો તેની એલિસબ્રિજ પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી છે.

       પ્રાપ્ત વિગતો મુજબ 13 નવેમ્બરે પાલડીમાં રહેતો રાજીવ બગડીયા નામનો વ્યક્તિ પોતાની માતાની ડેડબોડી વીએસ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી લઈ ગયો હતો. જે બોડી લઈ ગયો તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે.

       વીએસ હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ લેખાબેન નામના દર્દીનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું. મૃત્યું થયા બાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં મૃતદેહ ગાયબ થઇ જતાં પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે. મૃતક મહિલાનો એક પુત્ર અમદાવાદ અને બીજો પુત્ર અમિત કેનેડા રહે છે. અમિતને માતાના મૃત્યુ અંગે જાણ કરવામાં આવી હતી અને માતાના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. 

       વીએસ હોસ્પિટલના પીએમ રૂમમાં કોઈ જ સીસીટીવી લગાડવામાં આવ્યા નથી. કોલ્ડ સ્ટોરેજ રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, ડેટા રૂમ કોઈ જ જગ્યાએ સીસીટીવી ફૂટેજ નથી તો પોલીસ તપાસ કઈ રીતે કરવામાં આવશે. જાહેર જગ્યા હોય કે સરકારી ઓફિસ તમામ જગ્યાએ સીસીટીવી ફૂટેજ નથી. જો સામાન્ય માણસ સીસીટીવી ફૂટેજ નથી લગાવતો તો ગુનો નોંધવામાં આવે છે પરંતુ પોસ્ટમોર્ટમ રૂમમાં સીસીટીવી કેમેરા નથી.

       અગાઉ પણ વીએસ હોસ્પિટલમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી હતી. ભૂતકાળમાં વીએસમાં હિન્દુ મહિલાની ડેડબોડી મુસ્લિમ પરિવારને સોંપી દેવામાં આવી હોવાથી હોબાળો થયો હતો. વીએસ હોસ્પિટલના નઘરોળ તંત્ર દ્વારા છાશવારે આવી ભૂલો કરવામાં આવે છે અને તેમની ભૂલનું ગંભીર પરિણામ શહેરીજનોએ ભોગવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *