જમ્મુ-કાશ્મીરમાં 4 આતંકીઓને ઠાર કર્યા – પાક આતંકીઓ ટ્રકમાં દારૂગોળો લઇને જમ્મુથી શ્રીનગર જઇ રહ્યા હતા, સુરક્ષા દળોએ વિસ્ફોટ કરી ઉડાવ્યા.

612 Views

જમ્મુ કાશ્મીર –  ગુરુવારે સવારે જમ્મુના નગરોટામાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. ચારે આતંકીઓ પાકિસ્તાનના હતા અને ટ્રકમાં દારૂગોળો લઇને જમ્મુથી શ્રીનગર જઇ રહ્યા હતા. સુરક્ષા દળોએ તેને નાગરોટા ખાતેના ટોલ પ્લાઝા પર રોક્યા હતા અને તેને શરેન્ડર કરવા કહ્યું હતું. સામેથી યોગ્ય પ્રતિઉત્તર ન મળતા જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ટ્રકને ઉડાવી દીધા. સાવચેતીના પગલા તરીકે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરાયો છે.

સામ્બા સેક્ટરથી ભારતમાં પ્રવેશ્યા હતા.

        જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર “જૈશના ચાર આતંકવાદીઓએ બુધવારે રાત્રે સામ્બામાં આંતરરાષ્ટ્રીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી.” જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તેઓ ટ્રકમાં જઈ રહ્યા હતા. ત્યારે નગરોટા નજીકના ટોલ પ્લાઝા પર પોલીસે તેઓને અટક કરી હતી. આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યા હતા, જેમાં બે પોલીસ જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઘટતા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો.’

        જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ વર્ષે આંતકવાદીઓ સામેનો બીજો એન્કાઉન્ટર છે. સુરક્ષા દળોએ જાન્યુઆરીમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. તેઓ આવી જ રીતે એક ટ્રકની અંદર છુપાયેલા હતા.

 ત્રણ દિવસ પહેલા જ જૈશના બે આતંકવાદીઓની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.

          સોમવારે રાત્રે દિલ્હીના સ્પેશિયલ સેલના પોલીસકર્મીઓ દ્વારા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. બંને પાસેથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. પકડાયેલા બંને આતંકીઓ સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. તેઓ જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને કુપવારાના રહેવાસીઓ હતા. તેઓની વોટ્સએપ ગ્રુપ પર પાકિસ્તાન સાથે વાત થતી હતી.

        પકડાયેલા આતંકીઓના નામ અબ્દુલ લતીફ મીર અને અશરફ ખટાના હોવાનું જણાવાયું છે. એક આતંકવાદી બારામુલ્લાનો છે જ્યારે બીજો કુપવાડાનો રહેવાસી છે. તેમના લક્ષ્યો રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્વપૂર્ણ સ્થળ અને વીઆઇપી હતા. ઓગસ્ટમાં પણ દિલ્હી પોલીસે એક IS આતંકવાદીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી IED ડિવાઇસ જપ્ત કરી હતી.

1 નવેમ્બરના રોજ હિઝબુલના ટોચના કમાન્ડર સૈફુલ્લાહની હત્યા કરવામાં આવી હતી

        આ મહિનાની પહેલી તારીખે CRPF અને પોલીસે શ્રીનગરમાં હિઝબુલના ટોચના કમાન્ડર સૈફુલ્લાને  માર્યો હતો. તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી એક AK-47 રાઇફલ અને પિસ્તોલ મળી આવી હતી. હાલમાં કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓમાં સૈફુલ્લા મોસ્ટવૉન્ટેડ આતંકવાદી હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *