2022 માં IPL માં 8 ને બદલે 10 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે,BCCI ની 89 મી AGM માં નિર્ણય લેવામાં આવ્યો
અમદાવાદ, 24 ડિસેમ્બર:અમદાવાદમાં હાલમાં (BCCI) બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ની 89 મી (AGM) ઍન્યુઅલ જનરલ મીટિંગ ચાલી રહી છે તેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેવા કે આગામી વર્ષ 2022 થી IPL ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 નાં બદલે 10 ટીમો ભાગ લઈ શકશે. જે બે નવી ટીમો વધવાની છે તેમાં એક ટીમ ગુજરાતની હશે તેવું કહેવામાં આવ્યું છે.
નવી બે ટીમો માટે નવી ફ્રેન્ચાઈઝી લેવા માટે અદાણી ગ્રુપ અને ગોએન્કા ગ્રુપ રસ ધરાવે છે. સૌરવ ગાંગુલી એ જણાવ્યું છે કે ગુજરાતની ટીમ માટે નવું બનેલું મોટેરા સ્ટેડીયમ તેનું હોમ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. BCCI એ જણાવ્યું છે કે IPL ની ગઈ સીઝન માટે આવતા વર્ષ 2021 માં પણ ફક્ત 8 ટીમો ભાગ લેશે, તેની ટીમો માટે મીની ઓક્શન કરવામાં આવશે, ત્યારબાદ 2022માં 10 ટીમો IPL માં ભાગ લેશે.
બોર્ડે એક નવી જાહેરાત પણ કરી છે કે, વર્ષ 2028માં ક્રિકેટની રમતને ઓલમ્પિકમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેના માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પણ પૂરેપૂરો સપોર્ટ કરશે. તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા ની BCCI નાં નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે મહીમ વર્મા એ રાજીનામું આપી દીધા બાદ તે ખાલી પડેલી જગ્યા માટે શુક્લાની નિમણુક કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કોરોનાના કારણે ક્રિકેટની રમત બંધ રહેવાના કારણે ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓને વળતર આપવાની વિચારના કરવામાં આવી છે, આગામી જાન્યુઆરીમાં સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટ ફરી શરુ કરવાની કવાયત શરુ કરવામાં આવી છે. જે ટુર્નામેન્ટ રમાશે તે બાયો-બબલમાં રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટ ની મેચો મુંબઈ, ચેન્નાઈ, વડોદરા, બેંગલુરુ, અને કોલકત્તામાં રમાડવામાં આવશે.