ડ્રાયવિંગ લાયસન્સ સહિત આ દસ્તાવેજોને લઈ સરકારે કરી મોટી જાહેરાત, 31 ડિસેમ્બર પહેલા જાણવું છે જરૂરી
કોરોના વાયરસને ધ્યાનમાં રાખી રવિવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાયવિંગ લાયસન્સને લઈને મહત્વની ઘોષણા કરી છે. મંત્રાલયે ડ્રાયવિંગ લાયસન્સ સહિત ગાડી સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજોની માન્યતા 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે. આ રીતે લાયસન્સ સહિત ગાડીની પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા પણ પૂર્ણ થતી હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે પણ 31 માર્ચ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.
કોરોના સંકટને ધ્યાનમાં રાખી અને લોકોને મોટી રાહત આપતાં સરકારે થોડા મહિના પહેલા મોટર વ્હીકલ સાથે જોડાયેલા બધા જ ડોક્યુમેન્ટની માન્યતા 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવી હતી. આ દસ્તાવેજોમાં ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાયવિંગ લાયસન્સ, આરસી સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે.સૂત્રોના જણાવ્યાનુસાર કમર્શિયલ વાહનોના માલિકોએ પણ સરકાર પાસે થોડી રાહતની અપીલ કરી હતી. સરકારને સૂચન કર્યું હતું કે આવા વાહનોને થોડી રાહત આપવામાં આવે જે વ્યાવહારિક સમસ્યાઓના કારણે ચાલી શકતા નથી. તેમાં સ્કૂલ બસનો પણ સમાવેશ થાય છે.