વડોદરા: પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાસે, ઓમ નમઃશિવાયના જાપ કર્યા, કહ્યું:
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. માતાની હત્યા કર્યા બાદ પુત્ર બે હાથ જોડીને લાશ પાસે જ ઊભો રહ્યો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા. ગોત્રી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
‘સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ એટલે મેં મારી નાખી’
મૃતકની દીકરી સજ્જનબહેને જણાવ્યું હતુ કે, દરવાજો ખખડાવતા પહેલા તો બે વખત દિવ્યેશએ ખોલ્યો ન હતો. બાદમાં દરવાજો ખોલતા જ તેમને સવાલ કર્યો મમ્મી ક્યાં છે ? ત્યારે દિવ્યેશ બોલ્યો મેં મમ્મીને મારી નાખી પાછળ સળગાવી દીધી છે, જેથી મેં મારા ભાઇને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી? ત્યારે આ સવાલનો વળતો જવાબ આપતા દિવ્યેશે કહ્યું હતું કે, ‘સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ એટલે મેં મારી નાખી’
‘મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી’
જ્યારે પોલીસે આ મામલે હત્યારા દિવ્યેશની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.વી ચૌધરીને કહ્યું હતું કે, ‘મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી’
ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં. 27 વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારિયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને 50 વર્ષીય માતા ભીખીબેન બારિયા ઘરકામ કરતી હતી. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇક કારણોસર માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના છાતીથી પેટ સુધી કાચનો ટુકડાથી હુમલો કરી દીધો હતો, જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ માતાની લાશ પાસે જ ઊભો રહી ગયો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા.
યુવાન નશો કરવાની ટેવ ધરાવે છે માતાની હત્યા કરનાર પુત્ર દિવ્યેશના ઉપરોક્ત જવાબો સાંભળી તેની માનિસક સ્થિતિ અસ્વસ્થ હોવાનુ જણાઇ આવે છે. જોકે આસપાસમાં રહેતા લોકોના જણાવ્યાં અનુસાર હત્યારો દિવ્યેશ નશો કરવાની ટેવ ધરાવે છે. નશાની લત એને એટલી લાગી ગઇ કે તે કાયમ નશામાં જ રહેતો હતો.

માતાની હત્યા કરનાર પુત્ર સામે સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો
મહિલાની હત્યાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ગોત્રી પોલીસને જાણ કરી દીધી હતી. લોકોએ માતાની હત્યા કરનાર પુત્રની ઝાટકણી કાઢી હતી. ઘટનાની જાણ થતાં જ મૃતક મહિલાની દીકરી સજ્જનબેન અને જમાઈ દોડી આવ્યાં હતાં. તેઓ વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા હીરાબાનગરમાં રહે છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી
ગોત્રી પોલીસ મથકના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. આ ગુનાની વધુ તપાસ ગોત્રી પોલીસ સ્ટેશનના PI એચ. વી. ચૌધરીએ હાથ ધરી છે.


