કોન્સ્ટેબલે કેપ ન પહેરતાં બાપુનગર PI નીરવ વ્યાસે મા-બહેન સામે ગાળો આપી, પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો
થોડા સમય પહેલા વિવાદમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ નિરવ વ્યાસ ફરીથી વિવાદમાં સપડાયા છે. પીઆઈ વ્યાસે આ વખતે પોતાની દાદાગીરી તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર આચરી છે. કોન્સ્ટેબલે યુનિફોર્મની કેપ પહેરી ન હોવાથી પીઆઇએ માં બહેન સામી ગાળો ભાંડીને ખખડાવી નાખ્યો હતો. જેના કારણે પોલીસ કોન્સ્ટેબલે પીઆઇ વ્યાસ વિરૂદ્ધ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને રાવ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પીઆઈ વ્યાસ આજે વધુ એક વખત વિવાદમાં ફસાયા છે. ગુજરાતમાં બપોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દશરથ નામના કોન્સ્ટેબલે યુનિફોર્મની કેપ પહેરી નહોતી. જે વિવાદાસ્પદ પીઆઇ નિરવ વ્યાસના ધ્યાને આવ્યું હતું. જેથી પીઆઇ વ્યાસે કોન્સ્ટેબલ દશરથને બોલાવ્યો હતો અને તેને બિભત્સ શબ્દો બોલીને કેપ પહેરી નથી? તેમ પૂછતાં કોન્સ્ટેબલે સભ્યતાથી વાત કરવા કહ્યું હતુ. આથી રોષે ભરાયેલા પીઆઇ વ્યાસે કોન્સ્ટેબલને માં બહેન સામે ગાળો બોલી હતી.
આ ઘટનાનું લાગી આવતાં કોન્સ્ટેબલ દશરથે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પીઆઇ નિરવ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં મામલો થાળે પાડવા ઝોન-૫ ડીસીપીને પોલીસ કમિશનર કચેરીમાંથી આદેશ કર્યો હતો. ઝોન-૫ ડીસીપી અચલ ત્યાગીએ વિવાદી પીઆઇ વ્યાસને રીતસરના ખખડાવ્યા હતા અને આગળથી કોઇ કર્મચારીને બિભત્સ શબ્દો ન બોલવા ટકોર કરી હતી.
બાપુનગરના કોન્સ્ટેબલ દશરથે પીઆઇ નિરવ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ લખાવી હતી. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં પૂછપરછ કરતા આવો કોઈ ફોન આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ઝોન ૫ ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યુ કે, કોન્સ્ટેબલ દશરથે કંટ્રોલરૂમમાં ફરિયાદ લખાવી હતી.
બાપુનગરના વિવાદી પોલીસ ઈન્સ્પેક્ટર નિરવ વ્યાસના જમીન મકાન ખાલી કરાવવા સહિતના કારનામાનો સંદેશે પર્દાફાશ કર્યા બાદ અંતે તેમની આજે બદલી કરી દેવામાં આવી છે. વિવાદી પીઆઇ નિરવ વ્યાસ વિરૂદ્ધ સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તપાસના આદેશ આપ્યા હતા.
ઝોન-૫ ડીસીપીએ તપાસ કરતા નિરવ વ્યાસની વિવાદી છબી ખુલ્લી પડી ગઈ હતી. ચાર દિવસ પહેલા પોલીસ કમિશનર અને જેસીપીને રીપોર્ટ સોંપાયો હતો. આથી પોલીસ કમિશનરે મંગળવારે સાંજે બાપુનગરના પીઆઇ નિરવ વ્યાસ અને સેકન્ડ પીઆઇ એ.એન.તાવિયાડ બન્નેની સજાના ભાગ રૂપે બદલી કરી છે. પીઆઇ નિરવને કંટ્રોલ રૂમમાં અને તાવિયાડને જીઝ્ર/જી્ સેલમાં મુકવામાં આવ્યા છે.