IND Vs AUS : ઉમેશ યાદવ ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ઓસ્ટ્રેલિયા સામે 7 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર છે. બીજી ટેસ્ટમાં ઘાયલ થયેલ પેસર ઉમેશ યાદવ હવે સીરીઝમાં આગળ રમી શકશે નહીં. ઉમેશ દેશ પરત ફરી રહ્યો છે. તેની જગ્યાએ શાર્દુલ ઠાકુર અથવા ટી નટરાજનને સિડની ટેસ્ટમાં તક મળી શકે છે. મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ઉમેશ ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્નાયુઓમાં ખેંચ છે. આ મેચમાં તેની બાકીની ઓવર મોહમ્મદ સિરાજે પૂર્ણ કરી હતી. ઉમેશ ફીટ થયા પછી તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA)માં ટ્રેનિંગ લેશે.
મુંબઈના ઓલરાઉન્ડર શાર્દુલને ઉમેશની જગ્યાએ સિડની ટેસ્ટમાં તક મળી શકે છે. તે પેસર હોવાની સાથે જ લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરી શકે છે. BCCIના એક સૂત્રએ કહ્યું- લોકો ટી. નટરાજનને લઈને ખુશ અને ઉત્સુક છે. પરંતુ, તે તામિલનાડુ માટે માત્ર એક ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. શાર્દુલ ઘણી સીઝનથી મુંબઈ માટે રેડ બોલ ક્રિકેટ રમી રહ્યો છે. તેની પાસે વેસ્ટ ઇન્ડીઝ સામે તક હતી, પરંતુ કમનસીબે તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને એક ઓવર પણ પૂર્ણ કરી શક્યો નહીં. તેને ઉમેશની જગ્યાએ પ્લેઇંગ-11 માં તક મળી શકે છે.