પાકિસ્તાની રિંગ પહેરાવેલું દુર્લભ પક્ષી કચ્છમાં જોવા મળ્યું
પાકિસ્તાનથી રિંગ પહેરાવીને છોડવામાં આવેલા ભારતના દુર્લભ પક્ષીની જાતિમાં જેની ગણના થાય છે એ હોબારા, જેને ગુજરાતી ભાષામાં ટિલ્લોર પણ કહેવાય છે તથા અંગ્રેજી ભાષામાં મેક્વિન બસ્ટાર્ડના નામે ઓળખવામાં આવે છે. વઢવાણના યુવા વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર અને પક્ષીજીવનના અભ્યાસુ દેવવ્રતસિંહ મોરીએ ઘણા દિવસોના કચ્છના નાના રણના ભ્રમણ થકી દુર્લભ પક્ષીની અતિ દુર્લભ પગમાં પહેરાવેલી રિંગ સાથેની તસવીર કેમેરામાં કેદ કરી છે.
આ બાબતે દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું હતું કે પક્ષી વિશે વધુ માહિતી મેળવવા માટે ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ તથા હોબારા ફાઉન્ડેશન નામની સંસ્થાને આ પક્ષીની તસવીર મોકલી આપવામાં આવી છે, જેથી ઈન્ટરનેશલ બર્ડ માઈગ્રેશન ડેટા તપાસીને બર્ડની રિંગ અંગેની વધારે માહિતી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તથા હોબારા ફાઉન્ડેશન દ્વારા ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ શકશે. પક્ષીવિદે પાકિસ્તાનથી જે પક્ષીને રિંગ પહેરાવીને છોડાય એનો કલર લીલા રંગનો હોય એમ જણાવ્યું હતું.