2021ના પ્રથમ દિવસે ભારતમાં 59995,વિશ્વમાં 3.7 લાખ બાળકોનો થયો જન્મ
નવા વર્ષના દિવસે દુનિયાભરમાં અંદાજે 3,71,504 બાળકોનો જન્મ થયો છે જે પૈકી ભારતમાં 59995 બાળકોએ 2021નો પ્રથમ દિવસ જોયો છે. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ)એ આ અંગેની જાણકારી આપી છે. વર્ષ 2021માં અંદાજે 140 મિલિયન (14 કરોડ) બાળકો પેદા થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે અને આ બાળકોનું સરેરાશ જીવન 84 વર્ષ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પ્રશાંત ક્ષેત્રમાં આવેલા ફિઝીમાં પ્રથમ અને અમેરિકામાં વર્ષ 2021ના અંતિમ બાળકનો જન્મ થશે.
વિશ્ર્વના 10 દેશો પૈકી ભારતમાં વર્ષના પ્રથમ દિવસે 5995, ચીનમાં 35615, નાઈઝીરીયામાં 21439, પાકિસ્તાનમાં 14161, ઈન્ડોનેશિયામાં 12336, ઈથોપિયામાં 12006, અમેરિકામાં 10312, મીસ્રમાં 9455, બાંગ્લાદેશમાં 9236 અને રિપબ્લીક ઓફ ધ કાંગોમાં 8640 બાળકોએ જન્મ લીધો છે. યુનિસેફના કાર્યકારી ડાયરેક્ટર હેનરીટા ફોરે એક નિવેદનમાં કહ્યું છે કે વર્ષના પ્રથમ દિવસે જન્મ લેનારા બાળક એક વર્ષ પહેલાંની તુલનાએ અત્યંત અલગ દુનિામાં પ્રવેશ કરશે. નવું વર્ષ દુનિયાને પુન: સ્થાપિત કરવાનો એક નવો અવસર લઈને આવ્યું છે. 2021માં આપણે બાળકો માટે એક ન્યાયપૂર્ણ, સુરક્ષિત, સ્વસ્થ દુનિયાનું નિર્માણ કરવું પડશે.
યુનિસેફના જણાવ્યા મુજબ ભારતમાં નવા વર્ષે જન્મ લેનારા બાળકોની જીવન આયુ 80 વર્ષ હશે. ઈન્ડિયન ન્યુબર્ન એક્શન પ્લાન 2014-2020ની મદદથી દરરોજ વધારાના એક હજાર બાળકો જીવિત રહે છે. યુનિસેફમાં ભારતના પ્રતિનિધિ યશ્મીન અલી હક્કે કહ્યું કે કોરોના મહામારીને કારણે માત્ર એક સંકટની સ્થિતિમાં જ નહીં પરંતુ દરેક સમયે લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા અને નીતિઓની જરૂરિયાત વિશે આપણને ખબર પડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ જ દિવસે વિશ્વમાં 3,92,078 બાળકો જન્મ્યા હતા. ભારતમાં 1 જાન્યુઆરી-2020માં 67385 બાળકોએ જન્મ લીધો હતો જ્યારે ચીનમાં 46299 બાળકો દુનિયામાં આવ્યા હતા. 26039 બાળકોના જન્મ સાથે નાઈઝીરીયા ત્રીજા નંબરે રહ્યું હતું. યુનિસેફન અનુસાર ભારતમાં દર વર્ષે 1 જાન્યુઆરીએ લગભગ 60થી 70 હજાર બાળકો જન્મ લ્યે છે.