અમદાવાદમાં ફરી એકવાર ધોળે દિવસે ફાયરિંગની ઘટના ! ઠક્કરબાપાનગર બ્રિજ પાસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી લુંટારુઓ ફરાર !
અમદાવાદના ઠક્કરબાપાનગર બ્રિજ પાસે ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ભારે અવર જવર વાળા વિસ્તારમાં દિવસે આ પ્રકારની ઘટના બનતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.લુંટારુઓએ દુકાનમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. ત્રણ બદમાશો ફાયરિંગ કરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
ઠક્કરબાપાનગરમાં બપોરે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું અને ગાયત્રી ટ્રેડર્સ દુકાનમાં લૂંટ ચલાવી હતી. બાઈક પર આવેલા ત્રણ લૂંટારુઓએ ફાયરિંગ કરી રૂ.30 હજારની અંદાજીત રકમની લૂંટ ચલાવ્યાની વિગતો બહાર આવી છે. બનાવને પગલે કૃષ્ણનગર પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. બાઈક પર આવેલા ત્રણ લુંટારું લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા છે. આ બનાવને લઈ પોલીસે ફરાર આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગત 31 ડિસેમ્બરની મોડીરાતે મેઘાણીનગરમાં ત્રણ લૂંટારાઓએ એરકાર્ગો કંપનીમા પાર્સલ જમા કરાવા જતા જયમાતાજી લોજિસ્ટિક કુરિયર નામની કંપની ધરાવનાર વિદ્યાધર શર્મા અને તેમના સહકર્મચારીને મારમારી 1.78 કરોડના સોનાના દાગીનાના પાર્સલ ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના લીધે સમગ્ર અમદાવાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
તો બીજીતરફ રામોલ વિસ્તારમાં પણ 31 ડિસેમ્બરની રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પૈસાની લેતીદેતી બાબતે 2 શખ્સોએ બંદૂકની 6 જેટલી ગોળીઓ ફાયર કરી જસવંતસિંહ ઠાકુર નામના શખ્સની કરપીણ હત્યાં નિપજાવી હતી. જેના લીધે અમદાવાદનાં લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો.
તો હજી આ બે ઘટનાઓની સ્યાહી સુખાઈ નથી ને ત્રણ જેટલા અજાણ્યા લૂંટારૂઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઠક્કરબાપાનગર ખાતે ગાયત્રી ટ્રેડર્સ નામની દુકાનમાં ધોળાદિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે.