ખેડૂત આંદોલનનો 40મો દિવસ : આજે ફરી ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક
કૃષિ સાથે સંકળાયેલા ત્રણ કાયદા સામે ખેડૂતોના આંદોલનને આજે 40મો દિવસ છે. આજે જ દિલ્હીમાં 8મી વખત સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે. 30 ડિસેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં બે મુદ્દાને લઈ ઉકેલ આવ્યો હતો. જોકે બે મુદ્દાને લઈ હજુ પણ ગતિરોધ છે. આ બન્ને મુદ્દે આજે વાટાઘાટ થશે. જો આ મુદ્દે ઉકેલ આવી જશે તો આંદોલનનો અંત આવી જશે. જોકે પ્રશ્ન એ છે કે જો આજે વાત નહીં બને તો શું થશે? કેટલુ લાંબુ ચાલશે આંદોલન? કેટલાક ખેડૂત સંગઠનો આ આંદોલન સાથે સંકળાયેલા છે?
સંપૂર્ણ આંદોલનમાં 35 ખેડૂત સંગઠનોના નામ સામે આવ્યા છે. તે પૈકી 31 સંગઠન પંજાબમાંથી છે અને અન્ય 4 સંગઠન હરિયાણા-મધ્ય પ્રદેશમાંથી છે. આ 35 પૈકી 10 ખેડૂત સંગઠન એવા છે કે જેમનું રાજકીય કનેક્શન છે. આ પૈકી પંજાબમાંથી 8 અને હરિયાણા-મધ્યપ્રદેશના 2 સંગઠનનો સમાવેશ થાય છે.
ખેડૂત સંગઠનના જાણીતા ચહેરા :
1. ગુરુનામ સિંહ ચઢૂની
2. ડો. દર્શન પાલ
3. બલવીર સિંહ રાજેવાલ
4. જોગિંદર સિંહ ઉગરાહાં
5. જગમોહન સિંહ
6. રાકેશ ટિકૈત
જો ઉકેલ નહીં આવે તો આંદોલન મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે. ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચૌધરી દિવાકર સિંહે કહ્યું છે કે અમે આંદોલન દેશને બચાવવા કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે 4 તારીખના રોજ ઉકેલ આવી જાય. જો ઉકેલ નહીં આવે તો અમે આ આંદોલનને વધારે તેજ કરશું.