પંચમહાલમાં 8 યુવાનોને આત્મવિલોપન કરતા પોલીસે રોક્યા

817 Views

પંચમહાલ જિલ્લાની શહેરા મામલતદાર કચેરીમાં ગૌચર જમીનમાં પાડેલી ખોટી નોંધોને રદ્દ કરવાની માંગ સાથે વલ્લભપુર ગામના 8 યુવાનોએ શહેરા તાલુકા સેવાસદન ખાતે આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પહેલેથી જ હાજર પોલીસે યુવાનોને આત્મવિલોપન કરતા રોક્યા હતા. શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ કાયમ માટે રદ્દ થાય તે માટે ગામના જાગૃત નાગરિકોએ ગાંધીનગર સુધી રજુઆત કરી હતી.

લીઝમાં ખોદકામની માપણી કરીને ખાણ ખનીજ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા નાગરિકો રાખી રહ્યા હતા. આ ગામના યુવાન જશવંતસિંહ સોલંકી, ગજેન્દ્રસિંહ સોલંકી, મુકેશભાઈ નાયક, અરવિંદભાઈ, યુવરાજસિંહ સોલંકી અને જશવંતસિંહ સોલંકીએ મામલતદાર કચેરી ખાતે ખોટી રીતે એક પાકી અને બે કાચી નોંધ પડી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ નોંધ રદ્દ કરવા માટે પ્રાંત કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે મામલતદાર કચેરી ખાતે ગૌચર જમીનમાં પાડેલી કુલ ત્રણ નોંધ રદ્દ નહીં કરવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

વલ્લભપુર ગામના 8 જેટલા યુવાનો લીઝની જમીનમા પાડેલી નોધ રદ્દ કરવાની માંગ સાથે પેટ્રોલ લઈને આત્મવિલોપન કરવા માટે શહેરા તાલુકા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જોકે, શહેરા તાલુકા સેવાસદન ખાતે પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે યુવાનો પાસેથી પેટ્રોલની બોટલ છીનવી લઈને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને પોલીસે અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *