અમદાવાદમાં બનાવટી ગુટખા વેચતું કારખાનું ઝડપાયું
તમાકુ (Tobacco)ની કુટેવ આમ તો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, છતાં તેના અસંખ્ય બંધાણી છે. બાપુનગર પોલીસે એવા બે લોકોને ઝડપી પાડ્યા છે, જેઓ બ્રાન્ડેડ કંપનીના પાન-મસાલાની બનાવટી પડીકી બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. પોલીસને જાણ થતાં જ કારખાનામાં દરોડા પાડીને બે આરોપીઓને ઝડપી લીધા છે. સાથે જ પોલીસે લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે રંગ શાળા કમ્પાઉન્ડમાં આવેલા સંતોષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Santosh industrial estate)માં બે લોકો બ્રાન્ડેડ કંપની બનાવટી પાન-મસાલા પડીકીઓ તૈયાર કરી રહ્યા છે. જે અંગેની જાણ થતાં પોલીસે કારખાનામાં દરોડાં પાડ્યાં હતાં. દરોડાં દરમિયાન પોલીસને અલગ અલગ કંપનીઓની પાન-મસાલાની બનાવટી પડીકીઓનો જથ્થો, તમાકુનો જથ્થો, સોપારી અને પડીકીઓ બનાવવાની મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ હોવાથી અહીં તે વેચી શકાતી નથી. જોકે, કંપનીઓએ આ માટે એક નવો જ રસ્તો કાઢી લીધો છે. ગુજરાતમાં તમાકુ સાથેની ગુટખા વેચવા પર પ્રતિબંધ છે. આથી કંપનીઓ તમાકુ અને સોપારી અલગ અલગ પડીકીમાં વેચે છે. બંનેનું મિશ્રણ કરી દેવાથી ગુટખા તૈયાર થઈ જાય છે. રાજ્યમાં તમાકુના વેચાણ પર કોઈ પ્રતિબંધ ન હોવાથી આવું શક્ય બને છે.