મુઝફ્ફરપુર : કોચિંગ ક્લાસમાં જઈ રહેલી છોકરી પર દુષ્કર્મ

1,308 Views

મુઝફ્ફરપુર :કોચિંગમાં જઈ રહેલી એક દસમા ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેની સાથે પાંચ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમાજને શર્મસાર કરતી આ ઘટના બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની છે. મુઝફ્ફરપુરના સકરા વિસ્તારમાં 10ની વિદ્યાર્થીની સાથે એક બંધ પેટ્રોલપંપના જર્જરિત ઓરડામાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે.

બંદૂકની અણીએ પાંચ યુવકોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેમ તેમ કરી પીડિતા ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી અને પછી કોઈની મદદથી પરિવારને જાણ કરી. પરિવારજનોના પહોંચ્યા બાદ તે તેમની સાથે ઘરે આવી ગઈ હતી અને પરિસ્થિતિ સામાન્ય થયા પછી તેણે આખી વાત તેના પરિવારને કહી હતી.

આ પછી સકરા પોલીસ સ્ટેશનમાં સબંધીઓએ આ અંગે માહિતી આપી હતી. પીડિતા પરિવારના સભ્યો સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં પરિવારે પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ઘટના માટે અરજી કરી હતી. આ આધારે પોલીસ મથકના પોલીસ સ્ટેશન અધિકારી નીરુ કુમારીએ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

મોહમ્મ્દ ઇઝાર, આદિત્ય ઝા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મોહમ્મદ ઈઝારના પરિવારજનોએ જ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. શુક્રવારે પોલીસ તેને વિશેષ અદાલતમાં રજૂ કરશે. આ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનની પોલીસે પીડિતાનું સદર હોસ્પિટલમાં મેડિકલ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ આવવાનો છે. ડીએસપી પૂર્વી મનોજ પાંડેએ જણાવ્યું કે કિશોરી સાથે બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ કાર્યવાહી કરી રહી છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *