રાજદ્રોહ કેસમાં અભિનેત્રી કંગના પોલીસ સ્ટેશનમાં થઈ હાજર
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી ખત્મ નથી થઈ રહી. કંગનાની કાયદાકીય લડત ચાલુ છે. તેઓ પોતાના ઘરને લઈને બીએમસી સામે લડત લડી રહી છે. ત્યારે બીજી તરફ કંગનાને બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું છે. કંગના પર બોલિવુડમાં પોતાના ટ્વિટ્સ દ્વારા નફરત ફેલાવાનો આરોપ લાગ્યો છે. તે મુજબ તેમણે હિંદુ-મુસ્લિમ નામ પર માહોલને ખરાબ કર્યો છે. આ તમામ આરોપ કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ સઈદે લગાવ્યા છે.
ત્યાર બાદ બાન્દ્રા કોર્ટના આદેશ પર અભિનેત્રી કંગના રનૌત અને તેમની બહેન વિરુદ્ઘ એક FIR દાખલ કરવામાં આવી છે, અને તેમને પોલીસની કાર્યવાહીમાં સહયોગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પરંતુ પોલીસ દ્વારા સતત 3 સમન્સ પાઠવ્યા બાદ પણ કંગના અને રંગોલી તપાસમાં શામેલ થઈ નહી. ત્યાર બાદ અભિનેત્રીએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં FIR રદ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને તેમને 8 જાન્યુઆરીના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ સમયે કંગનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કંગનાએ એ મામલે નારાજગી વ્યક્ત કરી છે કે તેમને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહી છે, તે જણાવે છે કે તેમને પોલીસમાં હાજરી આપવા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ એ નથી જણાવવામાં આવી રહ્યું કે ક્યાં આવવાનું છે, કેવી રીતે હાજરી આપવાની છે. તેમની નજરોમાં તેમને પોતાના વિચારો વ્યક્ત કરતા પણ અટકાવવામાં આવી રહ્યા છે.