બર્ડફ્લૂનો કહેર : દેશભરમાં આશરે 1200 જેટલા પક્ષીઓના મોત
દેશમાં કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂનો વરતારો જોવા મળ્યો છે, અને સાત જેટલા રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે. દરમિયાન દેશભરમાં આશરે 1200 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે. જેનું કારણ બર્ડ ફ્લૂ પણ હોવાની શક્યતાઓ છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં હવે સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાઇ ચુક્યા છે. જેને પગલે આ રાજ્યોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. જે રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે તેમાં હવે ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે જ્યાં બર્ડ ફ્લૂએ દેખા દીધી હતી.
અત્યાર સુધી જે રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવી ચુક્યા છે તેમાં કેરળ, રાજસૃથાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. જ્યારે દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી સેંપલ લેવામાં આવ્યા છે પણ તેનો કોઇ રિપોર્ટ હજુસુધી સામે નથી આવ્યો. જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોમાંથી જીવતા પક્ષીઓની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. સાથે જ ગાઝીપુરની પોયેટ્રીને બંધ કરી દેવામાં આવી છે. અગાઉ મધ્ય પ્રદેશે અન્ય રાજ્યોમાંથી મરઘાની આયાત પર પ્રતિબંધ મુકી દીધો હતો. દેશમાં માત્ર એક જ દિવસમાં 1200 પક્ષીઓના મોત નિપજ્યા છે. જેને પગલે તંત્ર પક્ષીઓના સેંપલની ચકાસણી કરી રહ્યું છે.