અમદાવાદમાં છેલ્લી ઘડીએ પતંગ-દોરીની ખરીદી માટે પડાપડી, અનેક વેપારી સ્ટોક ખુટતા દુકાનો બંધ કરી
અમદાવાદ : ઉતરાયણની ઉજવણી માટે સરકારી ગાઇડલાઇન જાહેર થતા જ હવે પતંગબાજો સક્રિય થયા છે. અનિશ્ચિતતા પુર્ણ થતા જ અમદાવાદના પતંગબજાર તરીકે ઓળખાતા રાયપુર, દિલ્હી દરવાજા, ટંકશાળ સહિતના પતંગ બજારમાં ઘરાકી ખુલી હતી. ઉતરાયણ પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી લોકોએ મોટી સંખ્યામાં પતંગ દોરીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં છે.
ગાઇડલાઇન જાહેર થયાનાં બે દિવસમાં જ વેચાણમાં ઉછાળો આવ્યો છે. 3.5 કરોડ પતંગ, 1 કરોડ રૂપિયાી દોરી વેચાઇ હતી. કોરોનાને કારણે પેદા થયેલી અનિશ્ચિતતાને કારણે મોટા ભાગના વેપારીઓ દ્વારા ઓછો સ્ટોક કરવામાં આવ્યો છે. જો કે અચાનક ખરીદી નિકળતા અનેક વેપારીઓનો માલ વેચાઇ ગયો હતો.
માલ વેચાઇ જવાના કારણે અનેક વેપારીઓ દુકાનો બંધ કરી દેવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોડક્શન જ ઓછુ હોવાના કારણે હવે નવો સ્ટોક પણ થઇ શકે તેમ નહી હોવાથી વેપારીઓ ઉતરાયણનાં 5 દિવસ પહેલા જ માલ વેચાઇ જતા દુકાનો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, રાત્રી કર્ફ્યૂ હોવાના કારણે વેચાણ ઓછુ થવાની ભીતીએ વેપારીએ દર વર્ષની તુલનાએ અડધા કરતા પણ ઓછો સ્ટોક કર્યો હતો.