પંચમહાલ જિલ્લામાં હાલ રસીકરણનો બીજો રાઉન્ડ સાથે 60 વર્ષથી વધુ ઉંમરવાળા વ્યક્તિઓને રસી આપવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જિલ્લા કલેકટર સહીતના કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં રસીકરણ કર્યા બાદ મોબાઇલ પર મેસેજ અને ઓનલાઇન પ્રમાણપત્ર કરવામાં આવે છે.ત્યારે જિલ્લામાં કોરોના રસીકરણમાં મોટો છબરડો બહાર આવ્યો છે. અનેક લોકોએ રસી લીધી નથી તેમ છતાં તેઓના મોબાઇલ ઉપર રસી લીધી હોવાના મેસેજ સાથે ઓનલાઇન પ્રમાણપત્ર આવતાં આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. એક બાજુ સરકાર રસી મુકાવવા લોકોને પ્રોત્સાહીત કરી રહી છે.

ત્યારે આવી રીતે કોઇએ રસી મુકાઇ ન હોવા છતાં રસી લીધી હોવાના મેસેજ આવતાં રસીકરણની ટકાવારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું લાગી રહ્યુ છે. જયારે આરોગ્ય વિભાગે સોફટવેરમાં ટેકનીકલ ખામી આવી હોવાથી આ રીતની ભુલો આખા રાજયમાં આવી રહી હોવાનું જણાવીને હાથ અધ્ધર કરી દીધા હતા. સરકાર રસીની કોઇ આડ અસર થતી ન હોવાનું જણાવવા લોકો વચ્ચે કાર્યક્રમો કરી રહી છે. ત્યારે રસીકરણ કાર્યક્રમમાં આવા છબરડા બહાર આવતા રસીકરણની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતેની જાણ જિલ્લા કલેકટરને કરતાં કલેકટરે હાલતો ડીડીઓને રસીકરણ લીસ્ટના નામોનું વેરીફીકેશન કરવાના આદેશ આપ્યા હતા.

15થી વધુ હેલ્થ વર્કરોને રસી મૂક્યા વિના પ્રમાણપત્ર આપ્યા
જિલ્લાના હેલ્થ વર્કરોને પ્રથમ કોરોનાની રસી મૂકવાની શરૂઆત કરી હતી. પરંતુ કેટલાક હેલ્થ વર્કર રસી મૂકવા રાજી ન હતા. આશરે 15 થી વધુ હેલ્થ વર્કરોએ કોરોનાની રસી મુકાવી ન હતી તેમ છતાં તેઓને રસી મુકાવી હોવાના મેસેજ સાથે ઓનલાઇન પ્રમાણ પત્ર આવ્યા હતા. જેથી જિલ્લામાં હેલ્થ વર્કરોની રસી મૂકવાનો દર ઊંચો આવ્યો હતો.

હાલોલમાં 2006 લોકોઅે કોરોના વેક્સિનેશનનો લાભ લીધો
હાલોલની રેફરલ હોસ્પિટલ અને તાલુકાના આરોગ્ય કેન્દ્ર પર કોરોના રસીકરણ અંતર્ગત સિનિયર સિટીઝનોને કોરોના રસીનો ડોઝ આપવાનું અભિયાન હાથ ધરાયુ હતું. જ્યારે પ્રથમ તબક્કામાં કોરોના વેકસીનનો પહેલો ડોઝ લેનાર તાલુકાના પંથકના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બીજો ડોઝ આપવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શુક્રવારે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે હાલોલ ડી.વાય.એસ. પી.એચ એ રાઠોડે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો.

જ્યારે તેમના સ્ટાફના પોલીસ કર્મીચારીઓ અને હોમગાર્ડના જવાનો મળી કુલ 52 પોલીસ કર્મચારીઓએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો જ્યારે 45થી 59 વર્ષના સિનિયર સિટીઝનો અને 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને પણ કોરોના રસી ના પ્રથમ ડોઝ આપવાની કામગીરી હાથ ધરી હતી જેમાં પ્રથમ તબક્કાથી લઈ આજદિન સુધીમાં પંથકમાં 2006 જેટલા લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

ત્રીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકો અગ્રેસર
દાહોદ. દાહોદ જિલ્લામાં કોરોનાને નાબૂદ કરવા માટે વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ તા.1 માર્ચથી થતા જિલ્લાના 60થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તેમજ 45થી વધુ ઉંમરના ગંભીર રોગ ધરાવતા લોકો કોરોનાની વેક્સિન લઇ રહ્યાં છે. દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે કોરોનાની વક્સિનનો લાભ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ર્નિભય થઇને લઇ રહ્યાં છે. ઝાયડસ હોસ્પીટલ ખાતે વેક્સિન લેવા આવેલા 81 વર્ષીય બિપિનચંદ્વ દેસાઇએ જણાવ્યું કે, આજે અમે કોરોના વેક્સિન લીધી છે. વેક્સિન બાબતે તથ્યહીન અફવાઓ ચાલી રહી છે.

પરંતુ, વેક્સિન લીધા બાદ પણ તેની કોઇ આડઅસર નથી. એટલે તમામ સિનિયર સિટીઝનોએ રાજય સરકારના પ્રયાસોમાં સાથ આપી વહેલી તકે વેક્સિન લઇ લેવી જોઇએ. તેમના 78 વર્ષીય પત્ની શોભનાબેને જણાવ્યું કે, 60થી વધુ વયના તમામ નાગરિકોને નિ:શુલ્ક રસી લેવાની સુવિધા સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. તેનો સૌ કોઇએ લાભ લેવો જોઇએ. તો 75 વર્ષીય શર્મિષ્ઠાબેન શાહે જણાવ્યું કે, કોરોના સામે રક્ષણ આપતી રસી લેવી જરૂરી છે. સરકારે વરિષ્ઠ નાગરિકોને વેક્સિન માટે અગ્રતા આપી છે.

ખાનપુર ગામના બ્રાહ્મણ ફળિયાના વિસ્તારને કન્ટેઇનમેન્ટ મુકત કરાયો
ખાનપુર. કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા તેના સંક્રમણને નિયંત્રણમાં લવા જિલ્લા કક્ષાએ આયોજન, સંકલન તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાંઓ લેવા જિલ્‍લા કલેકટરને સત્તાઓ આપવામાં આવેલ છે. મહીસાગર જિલ્‍લામાં કોરોનાના પોઝીટીવ કેસ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે ખાનપુર ગામના બ્રાહ્મણ ફળિયાના વિસ્તારને તા.17 ફેબ્રુ.થી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ હતો. કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કર્યાના ૧૪ દિવસ પૂર્ણ થતાં અન્‍ય કોઇ કેસ આવવાની શકયતા ઓછી હોઇ મહીસાગર-લુણાવાડાના જિલ્‍લા મેજિસ્‍ટ્રેટને એકટ મળેલ સત્તાની રૂઇએ ખાનપુર તાલુકાના ખાનપુર ગામના બ્રાહ્મણ ફળિયાને કોવિડ-૧૯ના કન્ટેઇનમેન્ટ એરિયાના પ્રતિબંધમાંથી મુકત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *