અમેરિકાના એક અગ્રણી વિજ્ઞાનીએ કોરોના વાઈરસ રસી મુદ્દે ભારતની પ્રશંસા કરી છે. હ્યુસ્ટનના વૈજ્ઞાનિકે કહ્યું ભારતે રસી લોન્ચ કરીને સમગ્ર દુનિયાને કોરોનાની મહામારીમાંથી બચાવ્યું છે. એવામાં ભારતના યોગદાનને ઓછું આંકી શકાય નહીં. તેમણે કોરોના મહામારી દરમિયાન ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખાવ્યું હતું. દરમિયાન નેપાળમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે વડાપ્રધાન કેપી શર્મા ઓલિએ રવિવારે ભારતમાં નિર્મિત કોવિશિલ્ડ રસી લીધી હતી.

હ્યુસ્ટનમાં બાયલર કોલેજ ઓફ મેડિસિનની નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડૉ. પીટર હોટ્ઝે જણાવ્યું હતું કે, એમઆરએનએની બે રસી દુનિયાના ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો સુધી પહોંચી શકી નથી, પરંતુ ઑક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી ભારતની સીરમ ઈન્સ્ટિટયૂટે બનાવેલી રસીનો પુરવઠો આખા વિશ્વમાં પહોંચી રહ્યો છે.

ભારતમાં કોરોના વાઈરસની બે રસીઓને ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી મળ્યા પછી બે ડઝનથી વધુ દેશોમાં ભારત દ્વારા રસી પહોંચાડવામાં આવી રહી છે. તેથી ભારતના યોગદાનને ઓછું આંકવું જોઈએ નહીં. વેબિનારને સંબોધન કરતાં પીટરે કહ્યું કે રસી સમગ્ર વિશ્વમાં પહોંચાડવી એ દુનિયા માટે ભારતની ભેટ સમાન છે. ભારતે કોરોનાની જે બે રસીઓને ઈમર્જન્સી વપરાશની મંજૂરી આપી છે તેમાંથી એક કોવિશિલ્ડ છે અને બીજી ભારત બાયોટેકની કોવેક્સિન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *