જામનગર જિલ્લાના (Jamnagar) જોગવડની યુવા ખેલાડી કુસ્તીની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી ભારતીય તરીકે નામ રોશન કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (Reliance industries Limited) પ્રોત્સાહનથી જામનગર જિલ્લાના જોગવડની પ્રતિભાશાળી મહિલા યુવા ખેલાડી કુમારી રીતુબા નટુભા જાડેજાએ રેસલિંગ (કુસ્તી) ની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ યુવા ખેલાડીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રતિનિધિત્વ માટેની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે. ઇન્ટરનેશનલ તથા નેપાળ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા નેપાળના પોખરા ખાતે તાજેતરમાં યોજાયેલ TAFTYGAS- ઇન્ટરનેશનલ ગેમ્સ – 2020-21માં રેસલિંગની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી 59 કી.ગ્રા.થી ઓછા વજનની કેટેગરીમાં કુ. રીતુબા જાડેજાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.