શહેરના સોલા વિસ્તારમાં એક મહિલા સાથે છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં ફોન કરીને ઘરમાં ઘી વેચવા માટે આવેલી બે મહિલાઓએ વાતોમાં વ્યસ્ત રાખીને ઘરમાંથી 1.60 લાખની રોકડ, સોનાના દાગીના તથા એક મોબાઈલ ફોન મળીને કુલ 1.95 લાખની કિંમતની ઉઠાંતરી કરી લીધી હતી. મહિલાએ આ સમગ્ર માલમે પોલીસને જાણ કરતા સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘી વેચવા આવેલી મહિલાએ કરી ચોરી
ઘટનાની વિગતો મુજબ, શહેરના ગોતા વિસ્તારમાં આવેલા આઈ.સી.બી પાર્કમાં રહેતા વિજ્યાબેન પંચાલ ભાડાના મકાનમાં રહે છે. તેમના પરિવારમાં તેમના પતિ તથા દીકરો અને દીકરી છે. તેઓ પહેલા ચાંદલોડિયા રહેતા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેઓ એક બહેન પાસેથી ઘી લેતા હતા. પછી તેઓ ગોતા રહેવા આવી જતા ઘી વેચવાવાળા બહેન સાથે સંપર્ક ઓછો થઈ ગયો. 5મી માર્ચની બપોરે વિજયાબેન તેમના ઘરે હતા. ત્યારે તેમને મોબાઇલ ઘી વેચતા બેનનો ફોન આવ્યો હતો. તેમણે વિજ્યાબેનનું સરનામું માગીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મદદના બહાને વાતોમાં વ્યસ્ત રાખી
જેથી વિજ્યાબેને મહિલાને પોતાના નવા ઘરનું સરનામું આપ્યું હતું. બાદમાં બપોરે ઘી વેચવાવાળા આ બહેન તેમની સાથે બીજા એક બહેનને લઈને ઘર પાસે આવ્યા હતા અને તેમની દીકરીના લગ્ન હોઈ 1 લાખ રૂપિયા માગ્યા હતા. જોકે વિજ્યાબેને પોતાની પાસે આટલા બધા પૈસા ન હોવાનું જણાવી મદદ માટે 10 હજાર જેટલા રૂપિયા આપવાની વાત કરી. ઘી વેચનારી આ મહિલાએ વિજ્યાબેનને એક બાજુ વાતોમાં વ્યસ્ત રાખ્યા, જ્યારે તેમની સાથે આવેલી અન્ય મહિલા વિજ્યાબેનની નજર ચૂકવીને ઘરમાં જતી રહી હતી.

અન્ય મહિલા ઘરમાંથી 1.95 લાખની મતા ઉઠાવી ગઈ
આ મહિલાએ કબાટમાં રાખેલ રૂ.1,60,000ની રોકડ અને 30 હજારની સોનાની ચેન તથા 5000ની કિંમતના એક ફોનની ચોરી કરી લીધા હતી. મહિલાને ઘરમાંથી નીકળતા વિજ્યાબેન જોઈ ગયા અને શંકા જતા ઘરમાં જઈને તપાસ કરી તો બેડરૂમમાં કબાટ ખુલ્લો જણાઇ આવ્યો હતો. તેઓ ઘરની બહાર આવ્યા અને જોયું તો બંને મહિલાઓ રિક્ષામાં બેસીને ત્યાંથી જતી રહી હતી. જેથી આ અંગે વિજ્યાબેને સોલા પોલીસને જાણ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે હાલમાં મહિલાઓ સામે ગુનો નોંધીને તેમને પકડવા તપાસ શરૂ કરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.