પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. હાર્દિક પટેલ આજે ભવ્ય રોડ શો કરીને કમલમ પહોંચ્યા હતા. જ્યાં કમલમમાં કેસરિયા કર્યા હતા. સીઆર પાટિલે હાર્દિકને ખેસ અને નીતિન પટેલે હાર્દિક પટેલને ટોપી પહેરાવી હતી. આજે સવારે હાર્દિક પટેલ પૂજાવિધિ કરી હતી. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ કરી, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરીને સંતોની હાજરીમાં ગૌ પુજન પણ કર્યું હતું.
હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન અનેક ચઢાવ ઉતાર જોયાં, 2015માં એક આંદોલનની શરૂઆત થઈ હતી. આ ચડાવના ઉતાર દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા 10 ટકા EBC આપવામાં આવ્યું. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો.
હાર્દિક પટેલ એ વધુમાં જણાવ્યું કે, માણસની આંકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370 હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતાં કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદિત નિવેદન કર્યું હતું. આનંદી બેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પિતા તેમની સાથે હતા.