કોરોનાના કહેર વચ્ચે લોકોનાં કામધંધા અને આવક પર માઠી અસર પડી રહી છે. તેવા સમયે ગુજરાતની રૂપાણી સરકારે પાણી પરનો ચાર્જ વધારતા પડ્યા પર પાટુ માર્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2022 સુધી સામાન્ય જનતા માટે પીવાના પાણીમાં પણ પ્રતિ 1000 લિટરે 4.18 રૂપિયા અને ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકોએ વધારે નાણા ચુકવવા પડશે. નર્મદાનું પીવા માટે અને ઉદ્યોગ માટે આપવામાં આવતું હોય છે. માર્ચ 2021 પછી પાણીના દરમાં થયેલો વધારો ગણત્રી કરીએ તો કુલ 10 ટકાનો વધારો થયો છે, જે માર્ચ 2022 સુધી યથાવત્ત રહેશે.
રાજ્યમાં હાલ પીવાના પાણી માટે પ્રતિ 1000 લિટરે 4.18 રૂપિયા, જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીના 34.51 રૂપિયા ચુકવવાના થાય છે. જે ગયા વર્ષે 1000 લિટરનાં 3.80 રૂપિયા અને 31.38 રૂપિયા નિયત કરાયા હતા. બંન્ને હેતુ માટે પાણીના વપરાશના દરમાં નવા નાણાકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં 2006-07 ના વર્ષમાં જ્યારે પ્રથમ વખત દરો નિયત કરવામાં આવ્યા હતા ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15 માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા હતા. નર્મદા નિગમનાં સુત્રોએ જણાવ્યું કે, નર્મદાના પાણીના દરેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરાયો છે.
ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે, ત્યાંથી લોકોને પાણી વિતરીત કરવામાં આવે છે. આ જવાબદારી પાણીપુરવઠ્ઠા વિભાગ અને સંલગ્ન એજન્સીઓ દ્વારા ઉપાડવામાં આવી છે. નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતી નથી. તેની સ્થાનિક પુરવઠ્ઠા એજન્સી જ જરૂરિયાત અનુસાર પાણી વિતરીત કરે છે.