શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેખોફ બન્યા છે. એક પછી એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક પર છરીના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ચાર યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
ગીતામંદિરના કૃષ્ણનગર છાપરા વિસ્તારમાં રહેતા આરતી બહેન મકવાણાએ અનિલ ખુમાણ, ચિરાગ સિંધવ, અજય વાઘેલા અને માનવ પરમાર વિરુદ્ધ તેમના દીકરા કૃણાલની હત્યા અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરતીબેન મજુરી કામ કરે છે. તેમની દીકરીએ પાડોશીના મોબાઇલથી તેમને ફોન કરીને સમગ્ર વાત જણાવી હતી.
હું ઘરે હાજર હતી ત્યારે કૃણાલનો મિત્ર મારી પાસે આવ્યો હતો. કૃણાલ અને મિત્ર બહેરામપુરામાં રહેતા અનિલ ખુમાણ સહિત અન્ય મિત્રો સાથે ગીતામંદિર નજીક મારૂતિ કુરિયરની બાજુમાં શાળાના ગેટ પાસે ઉભા હતા. સાંજે પાંચ વાગ્યે કૃણાલ અને ચિરાગ તથા અજ કોઇ કારણોસર જાહેર રોડ પર હતા. તે સમયે અનિલ ખુમાણ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. કૃણાલના શરીરના ભાગે છરીના ઉપરા છાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
કૃણાલે બુમાબુમ કરતા આસપાસના લોકો આવી જતા ચાર યુવકો નાસી છુટ્યા હતા. કૃણાલને લોહીથી લથબથ સ્થિતીમાં તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કૃણાલની માતા આતી બેન ચાર યુવકો વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.