Amreli : શહેરના સહજાનંદ નગરમાં નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરે પત્ની અને પુત્ર સાથે મળી પુત્રવધુની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કર્યા બાદ ઘટનાને આત્મહત્યામાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને CCTV ના ફૂટેજના આધારે પુત્રવધુની હત્યા કરાયાની બાબત છતી થઈ હતી.
પોલીસે આરોપી પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ગત તા.6 ના રોજ પૂનમબેન વાઘેલાએ બીમારીથી કંટાળી પોતાની જાતે છરી મારી આત્મહત્યા કર્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ કેસમાં પુરાવાઓ મૃતકના સાસરીયા વિરૂદ્ધમાં જતા હતા.
બાદમાં પોલીસે તલસ્પર્શી તપાસ કરતા પૂનમબેનને તેમના પતિ અને સાસુ-સસરાએ મળી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકના પતિ દેવેન્દ્ર વાઘેલાના અન્ય સ્ત્રી સાથેના લગ્નેતર સંબંધને લીધે આ હત્યાને અંજામ આપ્યાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે.