Fri. Sep 20th, 2024

BREAKING NEWS ગુજરાતમાં 1 જુલાઈથી લેવાશે ધોરણ 12ની પરીક્ષા, શિક્ષણમંત્રીએ કરી પરીક્ષાની વિગતો જાહેર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી મતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી એ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. શિક્ષણમંત્રી એ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે.

આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ ચુડાસમાએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રી એ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતુ તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે

આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે શિક્ષણમંત્રી એ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights