તમિલનાડુમાં પહેલીવાર એક ઝૂમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે સિંહણનું મોત થયુ છે. આ ઝૂમાં અન્ય 9 જેટલા પ્રાણીઓ પણ સંક્રમિત મળી આવ્યા છે.
કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. કરોડો લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને લાખો લોકો કોરોના સામેની જંગમાં મૃત્યુ પામ્યા છે. ભારતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. લોકોને કોરોનાથી બચાવવા સરકાર વેક્સિનેશન પર ભાર આપી રહી છે, ત્યારે હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માણસો તો કોરોનાથી સંક્રમિત થઈ જ રહ્યા હતા, પરંતુ હવે પ્રાણીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે.
તમિલનાડુમાં પહેલીવાર એક ઝૂમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે સિંહણનું મોત થયુ છે. આ ઝૂમાં અન્ય 9 જેટલા પ્રાણીઓ પણ સંક્રમિત મળી આવ્યા છે. એક અધિકારીએ આ વાતની જાણકારી આપતા કહ્યુ કે, આ પહેલી ઘટના છે કે જેમાં સિંહોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યુ છે.
વંડાલૂરમાં અરિગનાર અન્ના પ્રાણી ઉદ્યાનના અધિકારીઓએ જણાવ્યુ કે નીલા નામની સિંહણનું બુધવારે કોરોનાને કારણે મોત થયુ છે, જ્યારે અન્ય 9 જેટલા સિંહ-સિંહણ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કોરોના વાયરસને રોકવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં 602 હેક્ટરમાં ફેલાયેલું આ ઝૂ પણ બંધ છે. સિંહોમાં કોરોના સંક્રમણ વિશે 26 મેના રોજ જાણ થઈ હતી, જ્યારે 5 જેટલા સિંહોને અશક્તિ અને ખાંસી તેમજ ભૂખ ન લાગવી જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
તમિલનાડુ પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દ્વારા વિશેષજ્ઞોની એક ટીમની આ સિંહોના ઈલાજ અને તપાસ માટે નિયુક્ત કરવામાં આવી છે. સંક્રમિત થયેલા બધા જ સિંહોને વિશેષજ્ઞોની ટીમની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. ઉદ્યાન દ્વારા તેમને બચાવવા માટે બધા જ પગલા લેવામાં આવી રહ્યા છે.
આવી જ એક ઘટના ઝારખંડની રાજધાની રાંચીથી સામે આવી હતી. વિરસા જૈવ ઉદ્યાનમાં એક 10 વર્ષીય વાઘ શિવાનું તાવ આવવા તેમજ સંક્રમણને કારણે મોત થયુ છે. કોરોનાની આશંકાને પગલે તેનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવ્યો, જો કે આ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. હવે આ વાઘના સેમ્પલને આરટીપીસીઆર ટેસ્ટ માટે બરેલી મોકલવામાં આવ્યા છે.