Fri. Apr 26th, 2024

Cyclone Tauktae : કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવી ગુજરાત તરફ આગળ વધ્યું, બનેલી ઘટનાઓમાં છ લોકોના મોત નીપજ્યા હતા

Cyclone Tauktae રવિવારે કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ હવે ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા હતા. Cyclone Tauktae ને કારણે બનેલી ઘટનાઓમાં છ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને લાઇટના થાંભલાઓ અને ઝાડ ઉખડી ગયા હતા. જેના લીધે લોકોને પોતાનાં ઘર છોડીને સલામત સ્થળોએ જવું પડ્યું હતું. તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

આ દરમ્યાન ગુજરાતના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત Cyclone Tauktae સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને મોડી રાત સુધીમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.

ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ કહ્યું કે ખૂબ જ તીવ્ર Cyclone Tauktae આગામી 24 કલાકમાં તીવ્ર બની શકે છે અને સોમવારે સાંજ સુધીમાં તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. આઇએમડીએ એક બુલેટિનમાં કહ્યું છે કે તે ભાવનગર જિલ્લાના પોરબંદર અને મહુવા વચ્ચે મંગળવારે વહેલી સવારે પસાર થઇ શકે છે.

તેમણે કહ્યું કે, માછીમારોને આગામી ૫ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં ૧૯૭૭ બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

પંકજકુમારે ઉમેર્યું કે, ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી. છે જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે તા. ૧૭ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે. તા. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

તેમણે ઉમેર્યું કે, તા. ૧૭ અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦ થી ૧૭૫ કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights