નર્મદાના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ૨૮૫ ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, આ યોજનાથી છોટા ઉદેપુરના ૫૮ ગામો અને ૧ નગરને શુદ્ધ પાણી મળ્યું છે. રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ – હાફેશ્વર યોજના થકી આદીજાતિ બહુલ વસ્તી ધરાવતા કુલ ૩૪૩ ગામો તેમજ બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદનાં ખરોડ ખાતેથી આ યોજનાનું લોકાર્પણ કરશે.


રાજ્ય સરકાર રાજ્યના દરેક ગામ સુધી શુદ્ધ પાણી પહોંચાડવા કટીબદ્ધ છે ત્યારે નર્મદા રીવર બેઝીન હાફેશ્વર આધારિત જુથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુરનાં કવાંટ તાલુકામાં આવેલા હાફેશ્વર નજીક નર્મદા નદીના બેઝીનમાં ઉપલબ્ધ જળસંગ્રહનો ઉપયોગ કરી દાહોદનાં દક્ષિણ ભાગમાં (મુંબઇ દિલ્હી રેલ્વે લાઇનની દક્ષિણે આવેલા) દાહોદ તાલુકાના ૪૯ ગામ, ગરબાડાના ૩૪ ગામ, લીમખેડાના ૩૩ ગામો, ધાનપુરના ૯૦ ગામો, દેવગઢ બારીયાના ૭૯ ગામો એમ કુલ ૨૮૫ દાહોદનાં ગામો તેમજ દેવગઢ બારીયા નગરને તેમજ છોટાઉદેપુરના ૫૮ ગામો તથા ૧ નગર તેમ કુલ ૩૪૩ ગામ અને ૨ નગરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ રાજ્ય સરકારે આણ્યો છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ યોજના વિશે માહિતી આપતા જણાવ્યું કે, હાફેશ્વર યોજના અંતર્ગત બલ્કપાઇપલાઇન તેમજ તે આધારિત ૧૨ જુથ પાણી પુરવઠા યોજનાની જુદી જુદી ૧૨ પાણી પુરવઠા યોજનાઓને ૧૧ પેકેજોમાં વિભાજીત કરી રૂ. ૮૩૯.૮૭ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


હાફેશ્વર યોજના અંતર્ગત છોટાઉદેપુરના હાફેશ્વર પાસે ઇન્ટેક સ્ટ્રકચર ઉભું કરી પાણી પંમ્પ કરી બે બૂસ્ટીંગ સ્ટેશન દ્વારા ૯૪૧૦ મીટર દૂર મોટી ચીખલી ગામે બનાવેલા સ્ટોરેજમાં એકત્ર કરી ત્યાંથી બે ગ્રેવીટી મુખ્ય પાઇપલાઇન દ્વારા પાણી વહન કરવામાં આવે છે. જેમાં છોટાઉદેપુરના ૫૮ ગામ તેમજ ૧ નગર માટે મલાજા ગામ પાસે ૪૬૧૯૦ મીટર પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપલાઇન થકી સીંગલા જુથ પાણી પુરવઠા યોજના થકી ૧૯ ગામ અને મલાજા જુથ પાણી પુરવઠા યોજના થકી ૩૯ ગામોને ૩ આઉટલેટ દ્વારા પાણી પહોંચાડાઇ રહ્યું છે. જયારે અન્ય ગ્રેવીટી મુખ્ય પાઇપલાઇન દ્વારા પાણી ૬૨૨૫૦ મીટર દૂર કેવડી મુકામે સબ હેડવર્કસ સુધી પહોંચાડાય છે.
કેવડી સબ હેડવર્કસથી અન્ય રાઇઝીંગ મેઇન પાઇપલાઇન દ્વારા પાણી ૩૧૮૨૨ મીટર દૂર પીપેરો સબ હેડ વર્કસ સુધી પહોંચાડાય છે. આ લાઇન પર કંજેટા જુથ પાણી પુરવઠા યોજના ૨૬ ગામ તેમજ લીમડી મેંધરી ગામે આઉટલેટ મુકવામાં આવ્યું છે. જયારે બાર અને પીપેરો જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અનુક્રમે ૩૨ અને ૨૨ ગામને સબહેડ વર્કસ ખાતે ફીલ્ટર પ્લાંટ બનાવી પાણી પુરૂ પાડવામાં આવે છે.
પીપેરો સબ હેડ વર્કસ પર બનાવવામાં આવેલા સમ્પમાંથી પાણી પમ્પ કરી ૪૧૪૮ મીટર દૂર આમલી બુસ્ટીંગ સ્ટેશન તથા ૨૩૬૦ મીટર દૂર કાંટુ બુસ્ટીંગ દ્વારા ૬૭૦૫ મીટર દૂર આવેલા સંગાસર હેડ વર્કસ સુધી પાણી શુદ્ધ કરીને જુદી જુદી ૩ પાણી પુરવઠા યોજના થકી ચીલાકોટા ખાતે ૨૭ ગામ જેસાવાડા ખાતે ૨૬ ગામ તેમજ ગાંગરડી ખાતે ૧૧ ગામને પાણી મળ્યું છે.


પાટાડુંગરી ડેમ આધારીત જુથ યોજના અંતર્ગત અહીં ઇન્ટેક સ્ટ્રકચર બનાવી ત્યાંથી ગરબાડાના મોહનખોબ તળાવ નજીક હેડ વર્કસ પર ફીલ્ટર પ્લાંન્ટ બનાવી શુદ્ધ પાણી ઊંચી ટાંકી દ્વારા પાટાડુંગરી જુથ યોજનાના ૪૨ ગામોમાં પહોંચતા કર્યા છે. સંગાસર હેડવર્કસથી પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના માટે ૧૮.૫૦ કીમી લંબાઇની એક્ષપ્રેસ લાઇન નાખવામાં આવી છે.


આ યોજનાને સફળ બનાવવા માટે પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી, સભ્ય સચીવશ્રી, મુખ્ય ઇજનેરશ્રી, અધિક્ષક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, મદદનીશ ઇજનેરશ્રી, અધિક મદદનીશ ઇજનરશ્રીઓ દ્વારા અથાગ પ્રયાસો અને દિવસ રાતની મહેનતને અંતે આ યોજના સાકાર થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page