Thu. Apr 25th, 2024

DAHOD-ફતેપુરાના ગૃહત્યાગ કરેલા બાળકનું માબાપ સાથે મેળાપ કરાવતું જિલ્લા બાળ સુરક્ષા એકમ.

By Shubham Agrawal Sep29,2021

દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાનો ૧૩ વર્ષનો એક બાળક છેલ્લા પાંચ માસથી ગુમ હતો અને ફરતા ફરતા છેક કર્ણાટક પહોંચી ગયો હતો. ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદથી બાળકને તેના કુંટુંબ સાથે પુન: મેળાપ કરાવવામાં સફળતા મળી છે. અહીંની જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તેના માવતરનો સંપર્ક કરી તેમના બાળક સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો.
વાત એમ બની કે, ફતેપુરાનું કુંટુંબ રોજગારી અર્થે જામનગર ગયું હતું. પાંચ બાળક સહિત સાત જણાના કુંટુંબમાં આર્થિક સઘર્ષ અને કૌટુંબિક કલહથી કંટાળીને આ બાળક ઘરેથી નાસી ગયો હતો. જે મહેસાણાથી સુરત ફરતો ફરતો પહોંચ્યો હતો. સુરતથી ટ્રેનમાં બેસીને કર્ણાટક પહોંચ્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી આ બાળક ગુમ હતો. તેના મા-બાપ દ્વારા તેની ખૂબ શોઘખોળ કરવામાં આવી હતી પરંતુ જાગૃતિને અભાવે તેમણે પોલીસ ફરિયાદ કરી નહોતી.
કર્ણાટકમાં આ બાળકને ભટકતાં જોઇને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ ઉપર સંપર્ક કરીને એક જાગૃત નાગરિકે જાણ કરી હતી. તુરત જ ત્યાંના ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટે આ બાળક સુધી પહોંચી હતી. બાળકનું કાઉન્સિંલ કરતા બાળકે ઠેકાણા તેમજ પોતાના મા-બાપ વિશે જણાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટે દાહોદ ખાતેનાં જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કર્યો હતો. અહીંના બાળ સુરક્ષા એકમના અધિકારી શ્રી શાંતિલાલ તાવિયાડે બાળકના ફતેપુરા ખાતેના માવતરને શોધી કાઢીને તેઓનું બાળક મળ્યું હોવાની વાત જણાવી હતી.
કર્ણાટકથી ડિસ્ટિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટનો સ્ટાફ દાહોદ સુધી આ બાળકને મુકવા આવ્યો હતો. અહીંના બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી. ખાટાભાઇ તેમજ શ્રી અબ્દુલ વસીમ કુરેશી, શ્રી બરજોડ સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં બાળકનું મા-બાપને સોંપવામાં આવ્યો હતો. અહીંના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળક તેમજ મા-બાપનું કાઉન્સિંલિગ કરવામાં આવી રહ્યું છે. જેથી ભવિષ્યમાં કૌટુંબિક કે બીજા કોઇ પણ કારણસર બાળક આવું પગલું ન ભરે. બાળકનું પણ વિશેષજ્ઞો દ્વારા કાઉન્સિંલ કરવામાં આવી રહ્યું છે અને તેના ઘરેથી નાશી જવાના કારણો અને આવું ફરીથી ન કરે એ માટે સમજ આપવામાં આવી રહી છે.
ખોવાયેલા, નાશી છૂટેલા કે કોઇ પણ સમસ્યામાં સપડાયેલા બાળકની મદદ કરવા માટે દેશવ્યાપી ૧૦૯૮ નંબરની હેલ્પલાઇન ૨૪ કલાક પોતાની સેવા આપે છે અને બાળકોની મદદે આવે છે. નાગરિકો કોઇ પણ બાળકની મદદ કરવા આ નિ:શુલ્ક હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights