NARMADA : World Environment Day નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની જાહેરાત કરી હતી. વડાપ્રધાને નર્મદાના કેવડિયા સ્થિત SOU આસપાસના વિસ્તારને નો-પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ શહેર બનશે તેમ પણ પીએમએ ઉમેર્યું છે. આ સાથે કેવડિયા આવતા પ્રવાસીઓ અવરજવર માટે ફક્ત ઈલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરી શકશે. વડાપ્રધાનની આ પહેલ પાછળ પર્યાવરણની રક્ષાનો ઉદ્દેશ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ સંબોધનમાં આ વિશે માહિતી આપી હતી. પીએમએ કહ્યું કે, હું તમને ભવિષ્યની એક યોજના વિશે જણાવવા માંગુ છું. ગુજરાતના મનમોહક શહેર કેવડિયામાં ફક્ત બેટરી સંચાલિત વાહનોને જ પરમિશન અપાશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત આવા વાહનોને જ પ્રાથમિકતા અપાશે. આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું.
કેવડિયામાં ઈલેક્ટ્રિક બસ અને અન્ય પાર્કિંગ સ્ટેન્ડ તૈયાર કરાશે
આગામી સમયમાં કેવડિયામાં ઈલેક્ટ્રિક બસ સહિતના વાહનો ફરજિયાત થશે. અત્યાર સુધી કેવડિયામાં પ્રવાસીઓ માટે 80 બસ દોડાવવામાં આવતી હતી. આ માટે વિશેષ બસ સ્ટેન્ડ પણ તૈયાર કરાયા હતા. હવે આ બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે આ બસસ્ટેન્ડની જગ્યા પર ઈ-બસોના પાર્ક તૈયાર થશે. આ સ્થળે અન્ય ઈ-વ્હિકલ પાર્ક કરવાની પણ વ્યવસ્થા ઉભી કરાશે.
ઈ-વ્હિકલની પ્રેરણા યુરોપયન દેશોમાંથી મળી
કેવડિયામાં ઈ-વ્હિકલ યોજનાની પ્રેરણા યુરોપના વિવિધ દેશોમાંથી મળી છે. યુરોપીયન ખંડના દેશો ફ્રાંસ, જર્મની અને ઈટાલીમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ ઈ-બાઈક્સ જ હોય છે. વર્ષ 2020માં યુરોપીયન દેશોમાં ઈ-વ્હિકલની લોકપ્રિયતા ખૂબ જ વધી છે. આ વર્ષે યુરોપના વિવિધ દેશોમાં 4 બિલિયન ડૉલરની કિંમતના ઈ-બાઈક્સ વેચાયા હતા.
કેવડિયામાં પ્રદૂષણ ઓકતાં વાહનો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે
નર્મદા જિલ્લામાં 42 ટકા વિસ્તારમાં જંગલો છે. જેથી આ વિસ્તારનું વાતાવરણ ખુશનુમા અને શુદ્ધ હોય છે. જેથી કેન્દ્ર સરકારે અહીં મોટા ઉદ્યોગો નહીં સ્થાપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કેવડિયાને નો-પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. જેથી કેવડિયામાં પ્રદૂષણ ઓકતા વાહનો પર પ્રતિબંધ મૂકયો છે. હવે અહીં ઈ-વ્હિકલ જેવા કે બસ, કાર, રિક્ષાઓ વગેરે દોડવવા માટે સ્થાનિક આદિવાસીઓને તાલિમ પણ આપવામાં આવશે.