Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ અને તાઉ તે વાવાઝોડાના કારણે તલના પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તુટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા દોઢ વર્ષથી ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવસર્જિત આફતોએ કંગાળ કર્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
ધોરાજી પંથકમાં તાઉ તે વાવાઝોડાને કારણે અને કમોસમી વરસાદને કારણે તલનો પાક કાળો પડી ગયો છે. જેથી ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક વીઘા દીઠ રૂપિયા 6થી 8 હજારનો વાવેતરથી ઉત્પાદન સુધી ખર્ચ કરી નાખ્યો છે. પરંતુ હવે તલ કાળા પડી જવાને કારણે બજારમાં પૂરતા ભાવ મળતા નથી, એક વીઘા દીઠ 8થી 10 મણનું ઉત્પાદન મળવું જોઈ જે ઘટીને માત્ર 2 મણ ઉત્પાદન થયું છે.
હાલમાં ખેડૂતોએ મહા મહેનતે પકવેલા તલના પાકના પ્રતિ મણના રૂપિયા 1100થી 1200 મળી રહ્યા છે. જે ખેડૂતોને પોસાઈ એમ નથી. જેથી સરકાર તલની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે અને ખેડૂતોને પૂરતા પોષણ સમ ભાવ મળે એવી વ્યવસ્થા કરી આપે તો સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.