ઉત્તર પ્રદેશમાં નામ બદલવાના રાજકારણનો અંત નથી જણાઈ રહ્યો. અલીગઢ અને મૈનપુરી બાદ હવે મિર્ઝાપુરનું નામ બદલવા માટે પણ માગણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત નામ બદલવાની કવાયત શરૂ થતી જોઈને અન્ય જિલ્લાઓમાંથી પણ નામ બદલવાની માગ ઉઠી રહી છે. હવે એક સંગઠને મિર્ઝાપુર જિલ્લાનું નામ બદલીને વિંધ્યાચલ નગર કરવા માટે માગણી કરી છે.
મિર્ઝાપુર જિલ્લા કલેક્ટ્રેટ પહોંચેલા ભારતીય સુવર્ણ સંઘના પદાધિકારીઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને મિર્ઝાપુર જનપદનું નામ બદલીને વિંધ્યાચલ નગર કરવાની માગણી કરી છે. સંઘના પદાધિકારી અવધેશ સિંહે જણાવ્યું કે, બહાર અન્ય પ્રદેશોમાં મિર્ઝાપુરને કોઈ નથી ઓળખતું. જ્યારે અમે વિંધ્યાચલનું નામ કહીએ છીએ તો તે નામ બધા જાણતા હોય છે. ભારતીય સુવર્ણ સંઘે જનપદનું નામ બદલીને વિંધ્યાચલના નામ પર રાખવામાં આવે તેમ કહ્યું હતું.
ભારતીય સુવર્ણ સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવધેશ સિંહે જણાવ્યું કે, તેઓ ડીએમ કાર્યાલય પહોંચ્યા હતા અને મિર્ઝાપુરનું નામ બદલીને વિંધ્યાચલ નગર કે વિંધ્યાચલ ધામ કરવા માગણી કરી હતી. આ માટે મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે. અલીગઢ અને મૈનપુરીનું નામ શું રખાશે?યોગી સરકારમાં અનેક જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા છે. તેવામાં ફરી એક વખત નામ બદલવાની કવાયત શરૂ થઈ છે.
અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ પાસ થયો છે. જ્યારે મૈનપુરીનું નામ પણ મયન ઋષિના નામ પરથી રાખવાનો પ્રસ્તાવ જિલ્લા પંચાયતમાં પાસ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતોમાં પાસ કરવામાં આવેલા આ પ્રસ્તાવોને હવે સરકાર પાસે મોકલવામાં આવી રહ્યા છે. હવે સરકાર તેના પર નિર્ણય લેશે કે નહીં તે મહત્વનો સવાલ છે.