રાજ્યની સાંસ્કૃત નગરી વડોદરાના નશાના કાળા પડછાયામાંથી મુક્ત કરાવવા માટે ‘મિશન ક્લિન વડોદરા’ અભિયાન પોલીસ કમિશન શમશેરસિંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરમાં નશાનો કાળો કારોબાર કરતા સોદાગરો પર પોલીસનો બાજ ડોળો છે. આવો જ એક ગોરખધંધો વડોદરા પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે ખુલ્લો પાડી નાખ્યો છે. પોલીસ ચા-ચૉકલેટ અને સેનેટરી પેડની આડમાં નશાનો ગોરખધંધો કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. વડોદરાના યુવાધનને ગેરકાયદેસર રીતે નશીલા ઈન્જેક્શનો વેચતા આ શખ્સોની રમત ખુલ્લી પડી ગઈ છે. એસઓજીએ ‘દેવ એન્ટરપ્રાઇઝ’ની આડમાં નશાનો વેપલો કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી મોટી માત્રામાં પેન્ટાઝોશીન લેક્ટેટના ઈન્જેક્શન ઝડપી પાડ્યા છે.
બનાવની વિગતો એવી છે કે એસઓજીનો ડોળો આજકાલ વડોદરા શહેરને ક્લિન કરવા માટે સચેત છે. તેવામાં એસોઓજીના એ.એસ.આઈ શાંતિલાલ લાલજીભાઈને બાતમી મળી હતી કે વિજય પંચાલ નામનો શખ્સ સીએનજી રીક્ષામાં ગોત્રી વિસ્તારની મધર સૂક્લ પાસે સૂરજ પટેલને પેન્ટાઝોશીનનો માલ સપ્લાય કરવા પહોંચવાનો છે. આ બાતમીના આધારે મધર સ્કૂલ પાસે એસઓજી ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન રીક્ષા અને હોન્ડાની કાર સાથે ત્રણ ઈસમો ઝડપાયા હતા.
ઝડપાયેલા વિજય પંચાલ, સુરજ પટેલ, અને હરીશ પંચમાલ પાસેથી ગેરકાયદેસર પરમીટ વગર વેચાતા પેન્ટાઝોશીન લેક્ટેટ ઈન્જેક્શનના 906 નંગ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી વાહન સહિતનો રૂપિયા 8.10 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો હતો. આ શખ્સો સામે પોલીસે એડીપીએસ એક્ટની 8સી, 21 બી, 29 કલમ મુજબ ગોત્રી પોલીસ મથકમા ગુનો નોંધાવ્યો છે.
આ આરોપીઓ દેવ એન્ટરપ્રાઇઝની આડમાં ચા-ચૉકલેટ, સેનેટરી પેડના બોક્સની આડમાં વડોદરા શહેરમાં આ ઇન્જેક્શન વેચતા હતા. આ ઈન્જેક્શન નાર્કોટિક્સની કેટેગરીમાં આવે છે. પેન્ટાઝોશીનનો ઉપયોગ મધ્યથી ગંભીર પીડાને દૂર કરવા માટે થાય છે. પેંટાઝોકશીન એ દવાઓના વર્ગમાં છે જેને ઓપીએટ (નાર્કોટીક) એનાલજેસિક્સ કહેવામાં આવે છે. તે મગજ અને નર્વસ સિસ્ટમ પીડાને પ્રતિસાદ આપવાની રીતને બદલીને કામ કરે છે. જોકે, તેનો દૂરઉપયોગ નશા માટે કરવામાં આવે છે.
આ ઑપરેશનમાં એસઓજીના પીઆઈ સોલંકી, પીઆસઆઈ ઢોલા સહિત એ.એસ.આઈ. હેડ કૉન્સ્ટેબલ, જોડાયા હતા જેમણે એટીએસ ચાર્ટરનો ગુનો શોધી કાઢી વડોદરા શહેરને ક્લિન રાખવાની દિશામાં મોટી સફળતા મેળવી છે.