વિશ્વના દેશોમાં સૌરઉર્જાની બોલબાલા વધી રહી છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સૌરઉર્જા પર ભાર મૂકી રહી છે.ત્યારે સૌરઉર્જાના શ્રેષ્ઠ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે વાપી નગરપાલિકાએ. જેમાં વાપી નગરપાલિકાએ નવતર પ્રયોગ કરી બગીચામાં ઉર્જા આપતું સોલાર ટ્રી નિર્મિત કર્યું છે.
આપની માટે કદાચ સોલાર ટ્રી નામનો શબ્દ નવો હશે.પરંતુ આપને જાણીને આનંદ થશે કે કુદરતી વૃક્ષ જેટલું જ ઉપયોગી સોલાર ટ્રી પણ છે. એટલે સોલાર ટ્રી સોલાર પેનલોથી બનેલો વૃક્ષ જેવો ઢાંચો. વાપીના આવા 4 સોલાર ટ્રી ઉદ્યાનમાં 80 લાખના ખર્ચે લગાવાયા છે.
આ સોલાર ટ્રી દ્વારા 90 કિલો વોટ વીજળી પેદા થાય છે. હાલ દેશમાં ફોસિલ ફ્યુઅલનો વધુ વપરાશ થઇ રહ્યો છે.ત્યારે આવા સોલાર ટ્રી દ્વારા ફોસિલ ફ્યુઅલનો વપરાશ ઓછો કરવામાં સફળતા મળશે તેવો દાવો પ્રોજેક્ટ મેનેજર કરી રહ્યા છે.
આની સાથે જ આ પ્રયોગથી નાગરિકો પણ સુર્ય ઉર્જા પ્રત્યે જાગૃત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાઇ રહ્યો છે. હાલ વાપીના ચલા વિસ્તારમાં આવેલા બાજપાઇ ઉદ્યાનમાં લાગેલું સોલાર ટ્રી, નાગરિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છેઅને મનોરંજન માટે આવતા નાગરિકો સોલાર ટ્રી દ્વારા સુર્ય ઉર્જાનું મહત્વ પણ સમજી રહ્યા છે.