અમદાવાદ, નરોડાની એક કોમર્શીલ સંકુલમાં આવેલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગી હતી. તાત્કાલિક ચાર જેટલા કોવિડ દર્દીઓને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે – શહેરના નરોડા વિસ્તારના કેપિટલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી વેદાંત હોસ્પિટલમાં કોવિડ -19ના કુલ 12 દર્દીઓની સારવાર ચાલી રહી હતી, જ્યાં હોસ્પિટલના એર કંડિશનિંગ યુનિટમાં સ્પાર્ક હોવાને કારણે બપોરના 2.30 વાગ્યે આ ભડકો થયો હતો. તેમણે કહ્યું કે આ બિલ્ડીંગમાં બે હોસ્પિટલો – વેદાંત હોસ્પિટલ અને કેશવી હોસ્પિટલ – ત્રીજા માળે આવેલી છે.
“આગ બિલ્ડિંગના ત્રીજા માળે ફેલાઈ હતી. વેદાંત હોસ્પિટલના નોન-આઇસીયુ વોર્ડમાં દાખલ કોવીડ -19ના ચાર દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બે જુદી જુદી અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા.”
તેમ છતાં, આગ અને ધૂમાડો બંને હોસ્પિટલોમાં પહોંચ્યું ન હતું અને માત્ર બિલ્ડીંગમા આવેલ ઇલેક્ટ્રોનિકસની દુકાનોને અસર કરી હતી, વહીવટીતંત્રે દર્દીઓને એમ્બ્યુલન્સમાં તેમની સલામતી માટે સ્થળાંતર કરવાનું નક્કી કર્યું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઘટના સમયે વેદાંત હોસ્પિટલમાં 12 કોવિડ -19 દર્દીઓ હતા, જ્યારે બાજુમાં આવેલી કેશવી હોસ્પિટલમાં ચાર ઓપીડી દર્દીઓ હતા, જેઓ આગની ઘટના ઘટતા તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.
આઠ ફાયર ટેન્કરો દ્વારા આગને બે કલાકમાં કાબૂમાં કરી લેવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, એક કલાક સુધી બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.વધુમાં તેમને મીડીયાને જણાવ્યુ હતું કે, “બધા સલામત છે અને આગને કાબૂમાં લેવામાં આવી છે.”