Tue. Sep 17th, 2024

અમરેલી: સાવરકુંડલા પાસે બેકાબૂ ટ્રક ઝૂંપડાઓ પર ફરી વળતા 9 લોકોના મોત થયા અને 4 લોકો ગંભીર

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ પાસે રવિવારે મોડી રાતે આશરે ત્રણ વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની બાજુમાં ઝૂંપડા બાંધીને સૂતા પરિવાર પર બેકાબૂ ટ્રક ચડી જતા નવ લોકોનાં મોત નીપજ્યા છે. આ સાથે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને 12 લોકોને નાની મોટી ઇજા થઇ છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મહુવા તરફ ટ્રક જતો હતો. ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક સાઈડ ડિવાઇડર કુદાવી પાસે આવેલા 10 ફુટનાં ખાડામાં ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ક્યાંથી આવતો હતો અને કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધું? વગેરે સહિતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…

આ સાથે અન્ય ટ્વીટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર 4 લાખની સહાય આપશે.

Related Post

Verified by MonsterInsights