ગુજરાત રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય છે. મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે પરંતુ ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો (Weather) જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. વારંવાર થન્ડરસ્ટોર્મ ના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે. જેના પગલે ઉનાળામાં પણ બેવડી ઋતુ અને કમોસમી વરસાદ થી ખેડૂતો પરેશાન થયા છે.
હવામાન વિભાગની આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જોકે, 14 મેના રોજ લૉ પ્રેશર સક્રિય થવાનું અનુમાન લગાવી શકાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે લૉ પ્રેશર બનવાની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લૉ પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. જોકે, વાવઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ જાય તે પણ મહત્ત્વનું રહેશે. હાલ તો દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે. પરંતુ લૉ પ્રેશરમાંથી વાવાઝોડા પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી થઈ શકશે. બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. 13 મેના રોજ દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.