તૌકતે વાવાઝોડું સોમવારે દીવ અને ઉનાની વચ્ચે દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જે બાદ સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતોમાંથી આગળ વધ્યું હતું. આ વાવાઝોડું સવારે 5.30 વાગ્યે ડીપ ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાનું હવમાન વિભાગ જણાવે છે. આગામી 12 કલાક દરમિયાન તે હજી મંદ પડતું જશે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે.
ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15, ભાવનગરમાં 8, ગીર સોમનાથમાં 8, અમદાવાદમાં 5, ખેડામાં 2, આણંદમાં 1, વડોદરામાં 1, સુરતમાં 1, વલસાડમાં 1, રાજકોટમાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1 મોત થયું છે.
આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે.