રાજાશાહીનું પ્રતિક ગણાતા અશ્વની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે પરંતુ ગૃહ વિભાગમાં અશ્વની માવજત કાબિલેદાદ જોવા મળી રહી છે. સરેરાશ 25 થી 30 વર્ષનું આયુષ્ય ધરાવતા અશ્વ પ્રતિ કલાક 88 કિલોમીટરની ગતિથી દોડતા હોય છે. પહેલાં કાઠીયાવાડમાં અશ્વોની ભરમાર હતી પરંતુ હવે પોલીસ દળમાં અશ્વોની સંખ્યા વધતી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની પોલીસ પાસેનું અશ્વદળ દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સૌથી મોટું છે.

દેશમા અશ્વદળ પર પુસ્તક લખાયું છે. માજી આઇપીએસ ઓફિસર એસ કૃષ્ણમુર્તિએ લખેલુ આ પુસ્તક ગુજરાતની રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. કૃષ્ણમુર્તિનું કહેવું છે કે દેશમાં ગુજરાત પોલીસનું અશ્વદળ સૌથી મોટું છે. હાલમાં તેની પાસે 738 અશ્વો છે. જ્યારે બીજા નંબરે બોર્ડ સિક્યુરિટી ફોર્સ પાસે 400 જેટલા અને ત્રીજા નંબરે ઉત્તરપ્રદેશ પાસે 330 જેટલા અશ્વો છે. ગુજરાતની આ ફોર્સ દુનિયામાં સંભવતઃ સૌથી મોટી ફોર્સ છે. ગુજરાતના સિનિયર આઇપીએસ ઓફિસર વિકાસ સહાય જણાવે છે કે આ પુસ્તક લખવાની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી.

અહીં સવાલ એ છે કે ગુજરાતમાં એવું તે શું છે કે આ અશ્વદળ દુનિયામાં સૌથી મોટું છે. તેની પાછળ એવું કારણ બતાવાય છે કે રાજાઓના સમયથી ગુજરાતમાં અશ્વદળ રહ્યું છે. ગુજરાતે આ અશ્વદળનો ઉપયોગ સામાન્ય લોકોને હોર્સ રાઇડિંગની ટ્રેનિગ આપવામાં કર્યો. જેના કારણ તે આજે પણ સચવાયું જ નથી પરંતુ વધી રહ્યું છે. ઘણી મહિલાઓ પણ હોર્સ રાઇડિંગની ટ્રેનિંગ લઇ રહી છે.

અશ્વના લગાવને ધ્યાને રાખીને ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં અશ્વ કેમ્પ ખાતે અશ્વ તાલીમ શાળા ઉપરાંત હોર્સ રાઇડિંગ ક્લબ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ પ્રકારની ક્લબ અને સ્કૂલ રાજ્યના 13 જિલ્લામાં ચાલી રહી છે, જેમાં ત્રણ મહિનાનો બેઝિક અને ત્રણ મહિનાનો એડવાન્સ તાલીમ અને કોર્સ રાખવામાં આવ્યો છે. આ જગ્યાએ તાલીમ લઇને અશ્વપાલનની જવાબદારી અદા કરી શકાય છે.

પોતાની કારકિર્દીનો મહત્તમ સમય અશ્વ માટે ખર્ચનારા પોલીસ ઇન્સ્પેક્ટર એમએસ બારોટ કહે છે કે અશ્વ લાગણીશીલ હોય છે. રાજી પણ થાય છે અને નારાજ પણ થતા હોય છે. મને બાળપણથી ઘોડેસવારીનો શોખ હોવાથી મેં માઉન્ટેડ પોલીસમાં જોડાવા માટે અરજી કરી હતી.

પોલીસ વિભાગના અશ્વદળમાં અત્યારે 738 અશ્વ છે. હોર્સ સ્પર્ધામાં ભાગ લઇને એમએસ બારોટે અત્યાર સુધીમાં નવ ગોલ્ડ, ચાર સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. પોલીસના અશ્વના નામ પણ તેજીલા છે. શૂન્ય, વિજય, જ્યોતિ, અક્ષર, અક્ષત, માણકી, કરિશ્મા અને વિરાટ જેવા નામો અમદાવાદ હોર્સ રાઇડિંગ ક્લબમાં નોંધાયેલા છે. પોલીસ દળમાં તાજેતરમાં 135 અશ્વ ઉમેરાયા છે.

મહત્વનું છે કે ગુજરાતમાં હાલ અશ્વની સંખ્યા 6.20 લાખ થી ઘટીને 3.40 લાખ થઇ ગઇ છે. પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બ્રીડીંગના અભાવે અશ્વની સંખ્યામાં સાત વર્ષમાં 45.58 ટકાનો ઘટાડો થયો છે તેથી અમે કાઠીયાવાડી ઓલાદ માટે બ્રીડર એશોસિયેશનની સ્થાપના કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page