ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા યુવકો માટે ચેતવણી સમાન કિસ્સો દમણમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવકને ફેસબુક પર ખૂબસૂરત પ્રોફાઈલ ફોટો ધરાવતી એક યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ દમણનો આ યુવક બ્લેકમેલીંગનો શિકાર બન્યો હતો.
જોકે આ યુવકએ હિંમત કરી પોલીસનો સંપર્ક કરતાં દમણ પોલીસના પી. આઈ. સોહીલ જીવની એ સાઇબર એક્સપર્ટની મદદથી યુવકો અને યુવતીઓને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેઈલિંગ કરતી એક ગેંગના સાગરિતને રાજસ્થાનના અલવરથી દબોચી લીધો છે.
ફેસબુક ઉપર પૂજા શર્મા નામની પ્રોફાઈલ ધરાવતી યુવતી હકીકતમાં જમશેદ રુસ્તમ ખાન હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે એક આરોપીની સંડોવણી બહાર આવી છે. દમણ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તાપસ હાથ ધરી છે.
દમણમાં નાની દમણ વિસ્તારના એક યુવકને થોડા દિવસ અગાઉ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પૂજા શર્મા નામની એક યુવતીના નામથી ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ખૂબસૂરત પ્રોફાઈલ ફોટો ધરાવતા પૂજા શર્મા નામની યુવતીની ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ યુવકે સ્વીકારી અને ત્યાર બાદ યુવકને પૂજા શર્મા નામની કથિત યુવતી સાથે મેસેન્જર પર ચેટિંગની શરૂઆત થઈ હતી.
પૂજા શર્મા નામની યુવતીએ દમણના યુવકની સાથ માધુર્ય ભરી વાતો કરી અને તેને મોહજાળમાં ફસાવ્યો હતો. આ ફેસબુક ફ્રેન્ડ એ દમણના યુવક પાસે તેનો વોટ્સએપ મોબાઈલ નંબર માંગ્યો આથી દમણના યુવકે લાલચમાં ફસાઈ યુવતીને પોતાનો નંબર આપ્યો હતો.
નંબર આપ્યા બાદ થોડા જ સમયમાં યુવકના વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો અને સામે એક યુવતી તેની સાથે અશ્લીલ હરકતો કરતી દેખાઈ હતી. આથી વિડિયો કોલ પર એક યુવતી અશ્લીલ હરકત કરતી હોવાનું દેખતા જ યુવક પલળી ગયો હતો.
આ યુવતીએ દમણના યુવકને પણ એવી જ રીતે અશ્લીલ હરકતો કરવાનું જણાવ્યું હતું. આથી મસ્તીના મૂડમાં ફસાઈ દમણના યુવકે પણ વોટ્સએપ પર આવેલા વિડીયો કોલમાં એવી જ અસ્લીલ હરકતો કરી હતી અને ત્યારબાદ વિડીયોકોલ પૂરો થયો હતો. એના થોડા જ સમયમાં યુવકના મોબાઈલ પર એક વિડિયો આવ્યો જે જોઈને યુવકના પગ તળેથી જમીન સરકી ગઈ.
કારણ કે થોડા સમય અગાઉ જ પૂજા શર્મા નામની યુવતી સાથે વિડીયો કોલ પર જે અશ્લીલ હરકતો કરી હતી તે જ અશ્લિલ હરકતનો વીડિયો રેકોર્ડ કરેલો હતો અને તેની સાથે એક મેસેજ પણ હતો કે તેમણે આપેલા એકાઉન્ટ નંબરમાં મોટી રકમની ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. અને જો યુવક મોટી રકમ એકાઉન્ટમાં ટ્રાન્સફર ન કરે તો તેની અશ્લીલ હરકતો વાળો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી આપી હતી.
ફેસબૂક અને ઇન્સ્ટગ્રામ જેવા અન્ય સોશિયલ મીડિયામાં માત્ર યુવતીઓ જ બ્લેકમેલીંગ નો શિકાર નથી બનતી, પરંતુ હવે યુવકો માટે પણ લાલબત્તી સમાન આ કિસ્સો છે. જેમાં યુવકો પણ બ્લેકમેલીંગનો શિકાર બની રહ્યા છે. આ કેસ માં દમણ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ૨૭ મી મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આથી દમણ પોલીસે આ ગેંગે આચરેલા અનેક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આજના મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમમાં યુવકો યુવતીઓ આવી રીતે ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલીંગનો શિકાર થઇ રહ્યા હશે, પરંતુ લોકલાજને કારણે તેઓ પોલીસ સુધી પહોંચતા નથી. આપ પણ જો, આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલીંગનો શિકાર થઇ રહ્યા હોય તો, હિંમત કરી પોલીસની સહાયતા લેવાથી બ્લેકમેઈલિંગ કરતી આવી ગેંગનો શિકાર થતાં બચી શકાય છે.