Fri. Sep 20th, 2024

રાજકોટથી મોરબી આવ્યા ન હોવા છતાં પાલિકાના પૂર્વ કર્મીને બીજો ડોઝ લીધાનું સર્ટી મળ્યું!

પ્રથમ ડોઝ લીધા બાદ રાજકોટ જતા રહ્યા હોય અને બીજો ડોઝ લેવા મોરબી આવ્યા જ ન હોવા છતાં બીજો ડોઝ લીધાનું સર્ટી આવતા તંત્રની પોલ ખુલી

મોરબી : મોરબીમાં વેકસીનેશનની કામગીરી સામે વેધક સવાલ ઉઠે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં મોરબી પાલિકાના પૂર્વ કર્મચારી વેકસીનનો પ્રથમ ડોઝ લઈને રાજકોટ ગયા બાદ બીજો ડોઝ લેવા આવ્યા જ ન હોવા છતાં તેમને બીજો ડોઝ લઈ લીધાનું સર્ટી મળ્યું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, તેમના નામે કોણે બીજો ડોઝ લીધો અને આ બાબતમાં તંત્રની ગંભીર ભૂલ છે તે અંગે તટસ્થ તપાસ થવી જરૂરી છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ કર્મચારી રાજેન્દ્રભાઈ સંપટ હાલ રાજકોટ રહે છે. તેઓ અગાઉ મોરબી રહેતા હતા. ત્યારે વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. ગત 1 માર્ચના રોજ વેકસીનેશન પ્રક્રિયા શરૂ થઈ ત્યારે તેઓએ મોરબીના લીલાપર અર્બન સેન્ટર ખાતે વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ રાજકોટ જતા રહ્યા હતા અને તેઓ રાજકોટથી મોરબીમાં બીજો ડોઝ લેવા હજુ સુધી આવ્યા જ નથી. તેમના ઘરે પણ તાળું લટકે છે. એટલે ઘરના બીજા સભ્યો પણ અહીં રહેતા નથી. આમ છતાં આજે તેમને બીજો ડોઝ લઈ લીધાનો મેસેજ આવ્યો હતો અને બીજો ડોઝ લઈ લીધાનું સત્તાવાર સર્ટીફીકેટ પણ તેમને મળ્યું હતું. બેય ડોઝ પુરા થઈ ગયાનો સરકારી તંત્રનો સતાવાર પુરાવો મળતા તેઓ પણ હબક ખાઈ ગયા હતા.

આ અંગે તેઓએ કહ્યું હતું કે, હું પ્રથમ ડોઝ લીધા બાદ રાજકોટથી મોરબી આવ્યો જ નથી. તો બીજો ડોઝ લીધાનો સવાલ જ નથી ઉપસ્થિત થતો. આથી, આ પૂર્વ કર્મચારીના નામે કોઈ બીજાએ ડોઝ લઈ લીધો હોય અથવા સરકારી તંત્રની ગંભીર ભૂલ પણ હોવાની શક્યતા છે.

Related Post

Verified by MonsterInsights